Get News Alerts

Never miss breaking news updates.

ગોંડલમાં 21 લાખની ખંડણીનો ભાંડો ફૂટ્યો: વેપારીને સરકારી તપાસનો ડર બતાવી રૂપિયા પડાવનાર 3 આરોપી ઝડપાયા

Gondal Extortion Case: રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 21 લાખ રૂપિયાની ખંડણીના ગુનાનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે વકીલના વેશમાં આવી સમગ્ર કાવતરામાં સામેલ રહેલા અન્ય એક અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, ગોંડલ APMCમાં કપાસની પેઢી ધરાવતા વેપારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી અને સરકારી એજન્સીઓ...
R Gajjar
R GajjarUpdated on: 01 Jul 2026 05:18 PM IST
ગોંડલમાં 21 લાખની ખંડણીનો ભાંડો ફૂટ્યો: વેપારીને સરકારી તપાસનો ડર બતાવી રૂપિયા પડાવનાર 3 આરોપી ઝડપાયાગોંડલમાં 21 લાખની ખંડણીનો ભાંડો ફૂટ્યો: વેપારીને સરકારી તપાસનો ડર બતાવી રૂપિયા પડાવનાર 3 આરોપી ઝડપાયા

Gondal Extortion Case: રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 21 લાખ રૂપિયાની ખંડણીના ગુનાનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે વકીલના વેશમાં આવી સમગ્ર કાવતરામાં સામેલ રહેલા અન્ય એક અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ તપાસ મુજબ, ગોંડલ APMCમાં કપાસની પેઢી ધરાવતા વેપારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી અને સરકારી એજન્સીઓ દ્વારા તપાસ થવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ વેપારી સામે કાયદાકીય કાર્યવાહીની બીક ઉભી કરી શરૂઆતમાં 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ દરમિયાન તપાસમાં સામે આવ્યું હતું કે સાયબર ફ્રોડમાં ફરિયાદીની પેઢીના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો. આ બાબતને આધારે આરોપીઓએ વેપારીને ફસાવી ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચ્યું હતું.

તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પકડાયેલો આરોપી ભૌતિક બોધરા અગાઉ ફરિયાદી વેપારીની પેઢીમાં ભાગીદાર તરીકે કામ કરતો હતો. ધંધાકીય મનદુઃખના કારણે તેણે પેઢી સંબંધિત મહત્વની અને ગુપ્ત માહિતી અન્ય આરોપી હિતેશ સાકરિયાને આપી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે દબાણ ઉભું કરીને સમગ્ર કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો.

આરોપીઓએ વેપારીને ગોંડલ કોર્ટ ખાતે બોલાવી સરકારી તપાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે 30 લાખની માંગણીમાંથી 21 લાખ રૂપિયામાં સોદો કરીને ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક રકમ પડાવી લીધી હતી. આટલેથી સંતોષ ન માનતા આરોપીઓએ પાંચ દિવસ અગાઉ ફરી વેપારીનો સંપર્ક કરીને વધુ રકમની માંગણી કરી હતી. જોકે વેપારીએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતાં રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરીને હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા અને ભૌતિક બોધરાની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે જણાવ્યું છે કે વકીલના વેશમાં આવેલા અજાણ્યા આરોપીને ઝડપવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય પોલીસે વેપારીઓ અને સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ સરકારી એજન્સી, તપાસ કે કાયદાકીય કાર્યવાહીના નામે ધાક-ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરે તો ગભરાયા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com