કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS ઝડપાયો, પોલીસને ટ્રાન્સફરની ધમકી આપતા ભાંડો ફૂટ્યો



કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS ઝડપાયો, પોલીસને ટ્રાન્સફરની ધમકી આપતા ભાંડો ફૂટ્યો



અમદાવાદ: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે નકલી IPS અધિકારી બની રોફ જમાવનાર એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પ્રહલાદનગર વિસ્તારનો રહેવાસી જોન ડેનિયલ હોવાનું સામે આવ્યું છે. તે પોતાને IPS અધિકારી તરીકે ઓળખાવી લોકો અને પોલીસ પર રોફ જમાવતો હતો.

મળતી માહિતી મુજબ, કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ સાથે આરોપીએ ઉશ્કેરાઈને અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી. એટલું જ નહીં, પોલીસકર્મી સાથે ધક્કામુક્કી કરી યુનિફોર્મ ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસકર્મીને સવાલ કર્યો કે તેને સેલ્યુટ કેમ મારવામાં આવ્યો નથી અને પોતાનો રોફ બતાવતા ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનાના પગલે રેલવે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે જોન ડેનિયલ કોઈ IPS અધિકારી નથી. તે અગાઉ SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ) કાર્યક્રમ સાથે જોડાયેલો હતો અને અનેક પોલીસ અધિકારીઓના સંપર્કમાં આવ્યો હોવાથી IPS અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને રોફ જમાવવાની ટેવ પડી ગઈ હતી. પોલીસે આરોપી સામે સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



