ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું બાળ લગ્ન મુદ્દે મોટું નિવેદન, 'અમે પણ નિષ્ફળ રહ્યા' કહી કર્યો સ્વીકાર


ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું બાળ લગ્ન મુદ્દે મોટું નિવેદન, 'અમે પણ નિષ્ફળ રહ્યા' કહી કર્યો સ્વીકાર


મહેમદાવાદ: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન બાળ લગ્નના મુદ્દે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. જાહેર કાર્યક્રમમાં તેમણે મહેમદાવાદ તાલુકામાં થયેલા સર્વેના આંકડા રજૂ કરતાં જણાવ્યું કે હજુ પણ સમાજમાં કેટલીક પરંપરાગત માન્યતાઓને કારણે બાળ લગ્ન થઈ રહ્યા છે અને તેના ગંભીર પરિણામો સામે આવી રહ્યા છે. દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રાંત અધિકારી દ્વારા પીએચસી (PHC) અને સીએચસી (CHC)ના સર્વેમાં જાણવા મળ્યું છે કે મહેમદાવાદ તાલુકામાં 17 વર્ષની ઉંમરે જ 18 કિશોરીઓ ગર્ભવતી બની હતી. જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરે કુલ 48 બાળકીો માતા બની હોવાનું સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે અંદાજે 50 બાળકીોના બાળ લગ્ન થયા હતા. આ માત્ર કાયદાનો ભંગ જ નહીં પરંતુ સમાજ માટે ચિંતાનો વિષય પણ છે. સાંસદે વધુમાં સ્વીકાર્યું કે બાળ લગ્ન રોકવામાં માત્ર સમાજ સુરક્ષા વિભાગ જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ તરીકે તેઓ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે. તેમણે જણાવ્યું કે લોકો સુધી પૂરતો સંદેશ પહોંચાડી શકાયો નથી અને સમાજમાં એવી લોકજાગૃતિ લાવી શકાઈ નથી કે દીકરીઓના બાળ લગ્ન ન કરવામાં આવે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી સંજય સિંહ મહિડા, ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવુસિંહ ચૌહાણનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે થોડા સમય પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ બાળ લગ્ન અને કિશોરી માતૃત્વ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદન બાદ આ મુદ્દે ફરી ચર્ચા તેજ બનવાની શક્યતા છે.




