દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં પથ્થરમારો, 13ની ધરપકડ


દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં પથ્થરમારો, 13ની ધરપકડ


Dahod Stone Pelting Case: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં યોજાયેલી રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે કુલ 14 ઈસમો વિરુદ્ધ નામજોગ અને અન્ય આશરે 200 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

રેલી દરમિયાન મામલો ગરમાયો
મળતી માહિતી મુજબ, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં DJ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીને લઈને પરમિશન તેમજ રસ્તા રોકવાના પ્રયાસને કારણે મામલો ગરમાયો હોવાનું સામે આવ્યું છે. મામલો વધુ ઉગ્ર બન્યા બાદ પથ્થરમારાની ઘટના બની હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
14માંથી 13 ઈસમો ઝડપાયા
પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળના CCTV સર્વેલન્સ કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે પોલીસે નામજોગ 14 પૈકી 13 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
13 પૈકી 10 AAP સાથે સંકળાયેલા હોવાનો દાવો
પોલીસ દ્વારા ઝડપાયેલા 13 ઈસમોમાંથી 10 ઈસમો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પથ્થરમારાની ઘટના, રેલી દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિ અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસની CCTVના આધારે કાર્યવાહી
ઘટના બાદ પોલીસે CCTV સર્વેલન્સના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી હોવાનું જણાવાયું છે. પોલીસે 13 ઈસમોની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે હવે અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.




