છોટાઉદેપુરમાં આજે પણ જીવંત છે માટીકામની પરંપરા, આદિવાસી સંસ્કૃતિથી ટકી રહી હસ્તકલા



છોટાઉદેપુરમાં આજે પણ જીવંત છે માટીકામની પરંપરા, આદિવાસી સંસ્કૃતિથી ટકી રહી હસ્તકલા



રફીક ડણીવાલા, છોટાઉદેપુર: આધુનિક યુગમાં મિનરલ વોટર, ફ્રીઝ અને આધુનિક વાસણોનો વ્યાપ વધ્યો હોવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ પરંપરાગત માટીકામ અને કુંભાર સમાજની હસ્તકલા જીવંત જોવા મળી રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં લોકો આજે પણ માટીના વાસણોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છે.

જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં માટલાં, કુલડીઓ, તાવડી, દીવા સહિત વિવિધ પ્રકારના માટીના વાસણોનો ઉપયોગ યથાવત છે. ગરમીની ઋતુમાં માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવતું હોવાથી લોકોમાં આજે પણ માટલાં પ્રત્યે વિશેષ લગાવ જોવા મળે છે.

આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ પણ માટીકામને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. દેવોની પેઢી બદલવાના ઉત્સવો અને ધાર્મિક વિધિઓ દરમિયાન ઘોડા જેવા પ્રતીકાત્મક માટીના આકારો દેવી-દેવતાઓને અર્પણ કરવાની પરંપરા આજે પણ સચવાયેલી જોવા મળે છે.

આ પરંપરાઓના કારણે કુંભાર સમાજને રોજગારી સાથે તેમની પ્રાચીન હસ્તકલા જાળવી રાખવામાં પણ સહારો મળી રહ્યો છે. કુંભારો પોતાના હાથની કળા દ્વારા સામાન્ય માટીને આકર્ષક અને કલાત્મક સ્વરૂપ આપી અનોખા ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે.

માટીના વાસણો પર કરવામાં આવતી નાજુક ડિઝાઇન અને પરંપરાગત કારીગરી લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. ગામડાઓમાં આજે પણ લોકો માટીના વાસણોને માત્ર ઉપયોગી વસ્તુ નહીં પરંતુ પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી ઓળખ તરીકે જોતા રહ્યા છે. આધુનિક મશીનો અને નવી ટેક્નોલોજીના ઉપયોગથી હવે ઓછા સમયમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર થઈ રહ્યા છે. જેના કારણે કુંભાર સમાજને રોજગારીની નવી તકો પણ મળી રહી છે અને તેઓ આર્થિક રીતે વધુ મજબૂત બની રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસોના કારણે માટીકામ જેવી પ્રાચીન હસ્તકલા આજે પણ સચવાયેલી રહી છે, જે નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



