અરવલ્લીમાં વરસાદ માટે મહિલાઓની અનોખી આસ્થા: 50થી વધુ મહિલાઓએ હનુમાનજીને પાણી ચડાવી કરી પ્રાર્થના


અરવલ્લીમાં વરસાદ માટે મહિલાઓની અનોખી આસ્થા: 50થી વધુ મહિલાઓએ હનુમાનજીને પાણી ચડાવી કરી પ્રાર્થના


અરવલ્લી: જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વરસાદના અભાવે ખેતીના કામ પર અસર પડતાં અનેક ગામોમાં લોકો ભગવાનને રીઝવવા માટે પરંપરાગત માનતાઓ અને ધાર્મિક વિધિઓનો સહારો લઈ રહ્યા છે. અરવલ્લીના ઇસરી ગામમાં વરસાદ માટે અનોખી આસ્થાનું દૃશ્ય જોવા મળ્યું. ગામની 50થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈને પગપાળા કંટાળું હનુમાનજી મંદિરે પહોંચી હતી. મંદિરે પહોંચ્યા બાદ મહિલાઓએ ભજન-કીર્તન સાથે હનુમાનજી મહારાજનો જળાભિષેક કર્યો અને રાજ્યમાં સારો વરસાદ વરસે તેમજ ખેડૂતોના પાકને જીવનદાન મળે તેવી પ્રાર્થના કરી.

સ્થાનિક લોકોનું માનવું છે કે આવી શ્રદ્ધા અને માનતા દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે અને સારા વરસાદનું આગમન થાય છે. મહિલાઓએ પણ જણાવ્યું કે વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તેથી ગામના સુખાકારી અને સારા ચોમાસા માટે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદની રાહ જોવાઈ રહી છે અને ખેડૂતોની નજર હવે મેઘરાજા પર ટકેલી છે.




