અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કરારના નામે ₹89.25 લાખનું મહાકૌભાંડ, મેઘરજના 22 ખેડૂતો સાથે છેતરપિંડીની ફરિયાદ


AI Generated Images
અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કરારના નામે ₹89.25 લાખનું મહાકૌભાંડ, મેઘરજના 22 ખેડૂતો સાથે છેતરપિંડીની ફરિયાદ


AI Generated Images
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ટ્રેક્ટર ભાડે આપવાના નામે ખેડૂતો સાથે થયેલી છેતરપિંડીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. માલપુર તાલુકા બાદ હવે મેઘરજ તાલુકાના 22 ખેડૂતો ટ્રેક્ટર ભાડા કરારના નામે કથિત મહાકૌભાંડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ફરિયાદ મુજબ, વિજયભાઈ રાધાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), સુનીલભાઈ કાન્તીભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ) અને પ્રવિણભાઈ કનકાભાઈ મસાર (લાલજીના પહાડીયા, માલપુર) સહિતના આરોપીઓએ ખેડૂતોને દર મહિને નિયમિત ભાડું આપવાની લાલચ આપી ટ્રેક્ટર અને ટ્રેલર ભાડે લીધા હતા. શરૂઆતમાં થોડું ભાડું ચૂકવ્યા બાદ આરોપીઓએ ભાડાની ચૂકવણી બંધ કરી દીધી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મેઘરજ તાલુકાના વઘોરા (મુડશી), લાલોડીયા, ડચકા, તુંબલીયા, ગાયવાછરડા, નવાઘરા, ઝરડા, પંચાલ, કુંભેરા, ગલીસીમ્બરો અને ભેમાપુર સહિતના ગામોના 22 ખેડૂતોના કુલ 22 ટ્રેક્ટર અને 4 ટ્રેલર ભાડા કરાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. કરાર પૂર્ણ થયા છતાં વાહનો પરત ન આપતાં ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
ભોગ બનનાર ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીની સિઝન ચાલી રહી છે, પરંતુ ટ્રેક્ટર ન હોવાથી તેઓ પોતાના ખેતરોમાં ખેડ પણ કરી શકતા નથી. ઘણા ખેડૂતોના ટ્રેક્ટર લોન પર ખરીદેલા હોવાથી તેઓ આજે પણ બેંકના હપ્તા ભરવા મજબૂર બન્યા છે. ફરિયાદ અનુસાર, 22 ટ્રેક્ટરોની અંદાજિત કિંમત ₹86.50 લાખ અને 4 ટ્રેલરની કિંમત ₹2.75 લાખ મળી કુલ ₹89.25 લાખની મિલકત આરોપીઓના કબજામાં હોવાનું જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા માલપુર તાલુકાના 16 ખેડૂતો સાથે પણ આવો જ કૌભાંડ સામે આવ્યો હતો. આમ, બંને તાલુકાના મળીને 38 ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો ગંભીર બન્યો છે. મેઘરજ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ટ્રેક્ટરો ક્યાં રાખવામાં આવ્યા છે, અન્ય કેટલા ખેડૂતો આ કૌભાંડનો ભોગ બન્યા છે અને સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.




