Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજ સામે વકીલોનો રોષ ફાટ્યો, ચેમ્બર બહાર ધરણા પર બેઠા વકીલો

ગાંધીનગર અને રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ન્યાયાધીશ સામે વકીલોનો વિરોધ ઉગ્ર બન્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અદાલતમાં કાર્યરત એક જજની કાર્યપદ્ધતિ અને વર્તણૂક સામે વકીલોએ ખુલ્લો મોરચો માંડ્યો છે. લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા વકીલો હવે જજની ચેમ્બર બહાર ધરણા પર બેઠા છે.
R Gajjar
R GajjarUpdated on: 30 Jun 2026 09:08 PM IST
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજ સામે વકીલોનો રોષ ફાટ્યો, ચેમ્બર બહાર ધરણા પર બેઠા વકીલોઅમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજ સામે વકીલોનો રોષ ફાટ્યો, ચેમ્બર બહાર ધરણા પર બેઠા વકીલો

અમદાવાદ: ગાંધીનગર અને રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ન્યાયાધીશ સામે વકીલોનો વિરોધ ઉગ્ર બન્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અદાલતમાં કાર્યરત એક જજની કાર્યપદ્ધતિ અને વર્તણૂક સામે વકીલોએ ખુલ્લો મોરચો માંડ્યો છે. લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા વકીલો હવે જજની ચેમ્બર બહાર ધરણા પર બેઠા છે. માહિતી અનુસાર, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અગાઉ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ, યુનિટ જજ સંગીતા વિશેન તેમજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં 140 જેટલા વકીલોએ સહી કરીને જજની કાર્યશૈલી અને વર્તણૂક અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.

140 વકીલોએ કરી હતી લેખિત રજૂઆત
વકીલોના જણાવ્યા અનુસાર, સંબંધિત જજ કોર્ટની કામગીરીમાં અનાવશ્યક વિલંબ કરે છે. સેશન કેસો અને અન્ય અરજીઓની સુનાવણીની પદ્ધતિને કારણે વકીલોને આખો દિવસ કોર્ટમાં બેસી રહેવું પડે છે. જામીન અરજીઓમાં પણ સમયસર આદેશો આપવામાં આવતા નથી. વકીલોનો આક્ષેપ છે કે જજ દ્વારા વારંવાર વકીલો સાથે તોછડું વર્તન કરવામાં આવે છે અને સિનિયર વકીલ સાથે આવેલા જુનિયર વકીલોને પણ કોર્ટરૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે.

જુનિયર વકીલોને શીખવાની તકથી વંચિત રાખવાનો આક્ષેપ
બાર એસોસિએશનની રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇન-કેમેરા કાર્યવાહી ન હોવા છતાં સાક્ષીઓની તપાસ દરમિયાન કોર્ટરૂમના દરવાજા અંદરથી બંધ કરાવવામાં આવે છે. ઉપરાંત, જુનિયર વકીલોને કોર્ટની કાર્યવાહી નિહાળવા અને શીખવા માટે પણ અંદર બેસવા દેવામાં આવતા નથી. વકીલોના જણાવ્યા પ્રમાણે, જજનો સ્વભાવ શંકાશીલ હોવાનું જણાય છે અને કેટલીક પ્રક્રિયાઓમાં જરૂરી દસ્તાવેજો પર પણ સમયસર સહી કરવામાં આવતી નથી.

રજૂઆત બાદ પણ કાર્યવાહી નહીં, વકીલોએ અપનાવ્યો ધરણાનો માર્ગ
વકીલોનો દાવો છે કે હાઇકોર્ટ અને અન્ય સત્તાધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના વકીલોએ વિરોધનું સ્વરૂપ વધુ તીવ્ર બનાવતા જજની ચેમ્બર બહાર ધરણા શરૂ કર્યા છે. આ ઘટનાએ ગુજરાતની ન્યાયિક વ્યવસ્થા અને વકીલ-ન્યાયાધીશ સંબંધોને લઈને નવા પ્રશ્નો ઊભા કર્યા છે. હવે આ મામલે હાઇકોર્ટ કે સંબંધિત સત્તાધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com