અમદાવાદ રથયાત્રા 2026: 30 હજાર પોલીસ, 100 ડ્રોન અને AI CCTV સાથે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા


AI Generated Images
અમદાવાદ રથયાત્રા 2026: 30 હજાર પોલીસ, 100 ડ્રોન અને AI CCTV સાથે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા


AI Generated Images
અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા આ વર્ષે અભૂતપૂર્વ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર રથયાત્રા રૂટ પર હજારો પોલીસ જવાનો, ડ્રોન, AI આધારિત CCTV અને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સતત નજર રાખવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 10 IG/DIG સ્તરના અધિકારીઓ, 42 DCP, 93 ACP, 303 PI અને 673 PSI સહિત કુલ 30 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. તેમની સાથે 3 હજાર SRP જવાનો અને આશરે 1 હજાર પેરામિલિટરી ફોર્સ પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસે જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનાથી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં કોમી એકતા માટે આશરે 1,000 કાર્યક્રમો, મહોલ્લા બેઠકો તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.
રથયાત્રાના રૂટ પર 250 ડીપ પોઈન્ટ અને 250 ધાબા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત 2000 જેટલા ક્રાઈમ બ્રાન્ચના જવાનો રથ અને ટ્રકો સાથે સતત સુરક્ષા માટે જોડાયેલા રહેશે. ગજરાજોની સુરક્ષા માટે પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે અને તેમની આસપાસ વધુ અવાજ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. આ વર્ષે ટેક્નોલોજી આધારિત સુરક્ષા પર વિશેષ ભાર મૂકાયો છે. શહેરમાં 3700 AI આધારિત CCTV કેમેરા, 100 ડ્રોન કેમેરા અને 12 કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર રૂટનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની ઓળખ માટે ફેસ રિકગ્નિશન સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવશે.
પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સુરક્ષા દરમિયાન પોલીસ સિવાય કોઈ પણ ખાનગી ડ્રોન ઉડાડવામાં આવશે તો તેને તાત્કાલિક નિષ્ક્રિય કરવામાં આવશે. સાથે જ ચેતક કમાન્ડો, ટેકનિકલ ટીમ અને સાયબર ક્રાઇમ યુનિટ પણ સતત સતર્ક રહેશે તેમજ સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે. પોલીસ કમિશનરે વાલીઓને ખાસ અપીલ કરી છે કે રથયાત્રામાં બાળકો સાથે આવતા હોય તો તેમના ખિસ્સામાં નામ, સરનામું અને મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી અવશ્ય મૂકે, જેથી બાળક ખોવાઈ જાય તો તેને ઝડપથી પરિવાર સુધી પહોંચાડી શકાય.




