અમદાવાદ LCBની મોટી કાર્યવાહી: 1.82 કરોડની વ્હેલની ઉલટી સાથે 3 આરોપીઓ ઝડપાયા



AI Generated Images
અમદાવાદ LCBની મોટી કાર્યવાહી: 1.82 કરોડની વ્હેલની ઉલટી સાથે 3 આરોપીઓ ઝડપાયા



AI Generated Images
Ahmedabad Whale Vomit Seizure Case: અમદાવાદ ઝોન-7 LCBએ વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી 1.823 કિલોગ્રામ વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 1.82 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ LCBને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પ્રતિબંધિત એમ્બરગ્રીસના ગેરકાયદે વેપાર માટે સોદો કરવા પહોંચવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી કરતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 1.823 કિલોગ્રામ જેટલું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. એમ્બરગ્રીસને સામાન્ય ભાષામાં વ્હેલની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ હોવાથી તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે.

સમગ્ર મામલે ઝોન-7 ના ડીસીપી શિવમ વર્માએ પત્રકારોને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા આ એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય બજારમાં ₹1.82 કરોડથી પણ વધુ કિંમત થાય છે. પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે આરોપીઓએ આ પ્રતિબંધિત જથ્થો મોરબીના હસમુખ પટેલ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો. આ કરોડો રૂપિયાનો જથ્થો તેઓ અમદાવાદમાં કોને વેચવાના હતા અને કોને આપવાના હતા, તે દિશામાં હાલ પોલીસ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.
ડીસીપી શિવમ વર્માએ વધુમાં જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ત્રણેય યુવકો કોઈ રીઢા ગુનેગાર નથી પરંતુ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જેમાં સુરેન્દ્રનગરના વિશ્વરાજસિંહ ચુડાસમા (ઉં.27) જે એલએલબી (LLB)ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, દર્શન સભાડ (ઉં.24) જે બીએ (BA) ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ચાંગોદરના વીરપાલસિંહ રાઠોડ જે બીકોમ (BCom)નો અભ્યાસ કરી રહ્યા છે. આ ઉચ્ચ શિક્ષિત યુવકો રાતોરાત અમીર બનવાની લાલચમાં આ ગેરકાયદેસર વેપારમાં ધકેલાયા હોવાનું સામે આવ્યું છે.
વધુમાં આ ગુનાના નેટવર્કની કડીઓ તપાસતા સામે આવ્યું છે કે, આરોપી વીરપાલસિંહ રાઠોડ ચાંગોદરમાં એક પાન પાર્લર ધરાવે છે. આ પાન પાર્લર પર જ બીજો આરોપી વિશ્વરાજસિંહ તેના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે દર્શન સભાડના ખેતરમાં કામ કરતા એક મજૂરના માધ્યમથી આ યુવકોનો ભેટો મોરબીના હસમુખ પટેલ સાથે થયો હતો. આ આખા કૌભાંડ અને વેચાણ પાછળ દર્શને મુખ્ય પ્લાન ઘડ્યો હોવાની વિગતો પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એમ્બરગ્રીસ એ વ્હેલ માછલીના આંતરડા (ઇન્ટેસ્ટાઇન) માંથી ઉત્પન્ન થતો એક પ્રકારનો મીણ જેવો ઘન પદાર્થ છે, જેને સામાન્ય ભાષામાં વ્હેલ માછલીની ઉલ્ટી તરીકે ઓખળવામાં આવે છે. તે ખૂબ જ વિશિષ્ટ અને અત્યંત સુગંધિત હોવાના કારણે વૈશ્વિક બજારમાં તેની કિંમત સોના કરતાં પણ વધુ હોય છે. આ પદાર્થનો મુખ્ય ઉપયોગ મોંઘા પરફ્યુમ, કોસ્મેટિક્સ અને લક્ઝરી સ્પ્રે બનાવવામાં ફિક્સિટીવ (સુગંધ લાંબો સમય ટકાવી રાખવા) તરીકે થાય છે.
વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ (વન્યજીવ સંરક્ષણ કાયદા) હેઠળ વ્હેલ માછલી અને તેની સાથે જોડાયેલી વસ્તુઓનો સંગ્રહ, ખરીદી કે વેચાણ કરવું એ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને સજાપાત્ર ગુનો છે. આથી, સરખેજ પોલીસે આ મામલે એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરી ત્રણેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ વન વિભાગ અને સંબંધિત અન્ય સરકારી વિભાગોને પણ આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી છે અને મોરબીના મુખ્ય સપ્લાયર હસમુખ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભારતમાં વ્હેલ અને તેના ઉત્પાદનોના વેપાર પર કડક પ્રતિબંધ છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ એમ્બરગ્રીસની ખરીદી, વેચાણ અને હેરફેર ગંભીર ગુનો માનવામાં આવે છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ એમ્બરગ્રીસ ક્યાંથી મેળવ્યું હતું અને તેની પાછળ કોઈ મોટું તસ્કરી નેટવર્ક કાર્યરત છે કે કેમ. સમગ્ર કેસમાં અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



