વડોદરામાં VGRC મંચ પરથી ગુજરાતનો 10 લાખ કરોડ રોકાણનો મોટો ટાર્ગેટ જાહેર : હર્ષ સંઘવી



વડોદરામાં VGRC મંચ પરથી ગુજરાતનો 10 લાખ કરોડ રોકાણનો મોટો ટાર્ગેટ જાહેર : હર્ષ સંઘવી



વડોદરા વડોદરામાં આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે ગુજરાતે નવી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ આગામી 5 વર્ષમાં ₹10 લાખ કરોડના નવા રોકાણ લાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે જણાવ્યું કે સરકાર હવે માત્ર નિયમનકારી નહીં પરંતુ ઉદ્યોગોની ભાગીદાર તરીકે કામગીરી કરશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નવી ઔદ્યોગિક નીતિ માત્ર નાણાકીય પ્રોત્સાહનો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં ઉદ્યોગસાહસિકતા, સમાન વિકાસ અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે મહિલા ઉદ્યોગકારોને વધારાના 1% વ્યાજ સહાય સહિત અનેક નવી સુવિધાઓ આપવામાં આવશે. ઉપરાંત કામ પર પાછી ફરતી મહિલાઓ માટે સ્કિલ રિફ્રેશર પ્રોગ્રામ અને યોગ્ય ખર્ચના 75% સુધી ભાડા સહાય જેવી યોજનાઓ પણ નીતિમાં સામેલ છે.
શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે ₹10,000 કરોડ કે તેથી વધુના મેગા અને અલ્ટ્રા-મેગા પ્રોજેક્ટ્સ માટે વિશેષ સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જે હજારો નવી નોકરીઓ સર્જશે. દિવ્યાંગજનો માટે રોજગાર વધારવા કંપનીઓને લાંબા સમયગાળા સુધી રિમ્બર્સમેન્ટ સહાય આપવામાં આવશે.
તેમણે કહ્યું કે ગુજરાતે ‘ઝીરો રેડ ટેપ’ નીતિ અપનાવી છે, જેના કારણે મંજૂરી પ્રક્રિયા ઝડપી બની છે. છેલ્લા બે વર્ષમાં ઈન્સેન્ટિવ વિતરણમાં 55%નો વધારો નોંધાયો છે, જ્યારે જરૂરી દસ્તાવેજોમાં 41% ઘટાડો અને પેન્ડિંગ ફાઈલોની સંખ્યામાં 95% ઘટાડો થયો છે.
હાલમાં રાજ્ય સરકાર દરરોજ સરેરાશ 392 ઈન્ડસ્ટ્રી ઈન્સેન્ટિવ ફાઈલોને મંજૂરી આપે છે અને આ સંખ્યા વધારીને 500 સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
અંતમાં તેમણે કહ્યું કે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ હવે માત્ર સમિટ નથી, પરંતુ રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગકારો માટે તકનું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે અને વિકસિત ભારત 2047ના વિઝનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે.




