રાજ્યની દરેક હોસ્પિટલોએ કરાવવું પડશે ફરજિયાત રજિસ્ટ્રેશન, વિધાનસભામાં બિલ પસાર



રાજ્યની દરેક હોસ્પિટલોએ કરાવવું પડશે ફરજિયાત રજિસ્ટ્રેશન, વિધાનસભામાં બિલ પસાર



Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભામાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન બિલ પસાર થતાં રાજ્યમાં આરોગ્ય સેવાઓ ક્ષેત્રે મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આ અંગે જણાવ્યું છે કે, હવે રાજ્યની તમામ હોસ્પિટલો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી સરકાર પાસે આરોગ્ય સેવાઓની ચોક્કસ અને સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 2022માં કાયદો અમલમાં આવ્યો હતો, તેમ છતાં માત્ર 41 હજાર હોસ્પિટલોએ જ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નવા બિલ હેઠળ દરેક હોસ્પિટલે રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દર્શાવવો પડશે, જેથી બોગસ અને લેભાગુ તત્વો ઓળખાઈ શકે.
રજિસ્ટ્રેશન ન કરનારા સામે કાર્યવાહી અને દંડ
સરકારે નવા બિલ હેઠળ થનારા બદલાવને સરળતાથી અમલમાં મૂકવા માટે ઓનલાઇન પોર્ટલ તૈયાર કર્યું છે. જ્યાં હોસ્પિટલોએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે અને રજિસ્ટ્રેશનની પ્રકિયા પૂરી કરવાની રહેશે. જો કોઈ હોસ્પિટલ રજિસ્ટ્રેશન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી સહિત દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે રજિસ્ટ્રેશન માટેની સમયમર્યાદા વધારીને 12 સપ્ટેમ્બર, 2026 કરી છે.
આ સિવાય સરકારે બોગસ તબીબો સામે લાલ આંખ કરી છે. મંત્રીએ જણાવ્યુ હતુ કે, ખોટી રીતે પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે આરોગ્ય વિભાગ અને પોલીસ નજર રાખી રહ્યું છે અને કામગીરી કરી રહ્યું છે. આ બિલનો મુખ્ય હેતુ આ પ્રકારના તત્વોને કાબૂમાં લેવાનો છે. આગામી સમયમાં આ માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે.




