ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ, 35 રાહત-બચાવ ટીમ તૈનાત



ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ, 35 રાહત-બચાવ ટીમ તૈનાત



Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે અધિકારીઓએ જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી 777 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા અને પૂરનાં પાણીમાં ફસાયેલા 60 લોકોને બચાવ્યા હતા.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી) અનુસાર, અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ખાંભામાં 6 ઇંચથી વધુ અને સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના જાફરાબાદ, બગસરા અને લિલિયા તાલુકામાં દરેકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં સુબીરમાં 5 ઇંચથી વધુ અને આહવામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લામાં પણ સરેરાશ લગભગ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર તાલુકા અને ગીર સોમનાથના ઊના તાલુકામાં દરેકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના જેસર અને નવસારી જિલ્લાના ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાના મહુવા અને ગારિયાધર; વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ અને કપરાડા; તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા અને વાલોડ; ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને કોડીનાર; નવસારી જિલ્લાના ગાંડેવી; સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા; સુરત જિલ્લાના અંબિકા; તેમજ અમરેલી તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય 32 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 105 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, કુલ મળીને છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતના 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સોમવાર સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં આ સીઝનમાં 6 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો હતો, જે લાંબા ગાળાના સરેરાશ કરતાં વધુ છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મોસમી વરસાદ (23 ટકાથી વધુ) નોંધાયો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાત (20 ટકાથી વધુ), પૂર્વ-મધ્ય ગુજરાત (12 ટકાથી વધુ) અને ઉત્તર ગુજરાત (10 ટકાથી વધુ)નો ક્રમ આવે છે.
કચ્છમાં આ સિઝનમાં અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ (0.42 ટકા) નોંધાયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો વધીને 2.15 લાખ મિલિયન ક્યુબિક ફૂટ (એમસીએફટી) થયો છે, જે તેની કુલ ક્ષમતાના આશરે 65 ટકા જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ મળીને 2.09 લાખ એમસીએફટી પાણી સંગ્રહિત છે.
તાજેતરની માહિતી મુજબ, બે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. 18 ડેમોમાં 70 ટકાથી વધુ પાણી છે, 20 ડેમોમાં 50 ટકાથી વધુ, 49 ડેમોમાં 25 ટકાથી વધુ અને 117 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી છે. હાલના જળસ્તરને ધ્યાનમાં રાખીને છ ડેમને 'હાઈ એલર્ટ' પર, સાતને 'એલર્ટ' પર અને અન્ય સાતને 'વોર્નિંગ લેવલ' પર રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે જણાવ્યું કે, સાવચેતીના ભાગરૂપે સ્થાનિક વહીવટીતંત્રે નવસારી, જૂનાગઢ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લાઓમાંથી 777 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.
બચાવ ટીમોએ પૂરનાં પાણીમાં ફસાયેલા 60 લોકોને પણ સલામત રીતે બહાર કાઢ્યા છે. વરસાદ સંબંધિત કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે સંવેદનશીલ જિલ્લાઓમાં કુલ 35 આપત્તિ પ્રતિસાદ ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 10 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની 25 ટીમોનો સમાવેશ થાય છે. જરૂર પડે ત્યારે તાત્કાલિક તૈનાતી માટે એનડીઆરએફની વધુ 4 અને એસડીઆરએફની 8 વધારાની ટીમોને તેમના મુખ્યાલયોમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
વહીવટીતંત્રે ભારત હવામાન વિભાગની આગાહી અને દરિયામાં ખરાબ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ માછીમારોને 9 જુલાઈ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. સરકારે જણાવ્યું કે છે કે, ‘ભારે વરસાદ અને તેજ પવનોને કારણે ગુજરાતના 2,804 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઊર્જા વિભાગે 2,738 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દીધો છે, જ્યારે બાકીના 66 ગામોમાં પુનઃસ્થાપનનું કામ ચાલુ છે.’




