પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે મોટી ખુશખબર: મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે



ફાઈલ ફોટો
પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે મોટી ખુશખબર: મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે



ફાઈલ ફોટો
ગાંધીનગર: ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો મંજૂર કર્યો છે, જેના કારણે હજારો કર્મચારીઓને સીધો લાભ મળશે. સાથે જ લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ (એરિયર્સ) પણ તબક્કાવાર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નાણાં વિભાગ દ્વારા 2 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ રાજ્ય સરકારના નિયમિત કર્મચારીઓ ઉપરાંત પંચાયત સેવા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા પાત્ર કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે.
સરકારે વિવિધ સમયગાળા માટે મોંઘવારી ભથ્થાના નવા દરો જાહેર કર્યા છે. જે મુજબ 1 જુલાઈ 2022થી DAનો દર 369 ટકા, 1 જાન્યુઆરી 2023થી 412 ટકા, 1 જુલાઈ 2023થી 427 ટકા અને 1 જાન્યુઆરી 2024થી 443 ટકા નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ધોરણો અને રાજ્યના નાણાં વિભાગની ભલામણોને ધ્યાનમાં રાખીને આ વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે વધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓને જૂન-2026ના પગારથી મળવાનું શરૂ થશે. ઉપરાંત જાન્યુઆરી-2026થી લાગુ પડતા લાભની અસર પણ પગારમાં જોવા મળશે. બીજી તરફ, 1 જુલાઈ 2021થી 1 જાન્યુઆરી 2024 સુધીના મોંઘવારી ભથ્થાના તફાવતની બાકી રકમ કર્મચારીઓને એરિયર્સ રૂપે હપ્તાવાર ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી મોંઘવારી ભથ્થાના વધારાની રાહ જોઈ રહેલા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે આ નિર્ણય કર્મચારીઓ માટે આર્થિક રાહતરૂપ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




