દેશભરમાં આજે દવાની દુકાનો બંધ રહેશે, 15 લાખ કેમિસ્ટો હડતાળ પર, ગુજરાતમાં થશે અસર?



દેશભરમાં આજે દવાની દુકાનો બંધ રહેશે, 15 લાખ કેમિસ્ટો હડતાળ પર, ગુજરાતમાં થશે અસર?



Chemists Strike 2026: દેશભરમાં આજે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનો દ્વારા 24 કલાકની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ઓનલાઇન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના વધતા વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ‘ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા આ બંધનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના લાખો કેમિસ્ટ આ વિરોધમાં જોડાયા છે. ઓનલાઇન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં 'ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ'(AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન કરાયું છે, જેમાં દેશભરના 12.5થી 15 લાખ કેમિસ્ટ જોડાશે. કેમિસ્ટનો આક્ષેપ છે કે યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ જોખમાયો છે. સાથે જ ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધતાં દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. તાજેતરમાં દેશમાં ₹150 કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાઈ હોવાથી સરકાર આ અંગે કડક કાયદો ઘડે તેવી મુખ્ય માંગ છે.
કેમિસ્ટ ઍસોસિએશનની સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ
AIOCDના રાષ્ટ્રીય પ્રમુખ જે. એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની વર્તમાન નીતિઓ છૂટક દવા વ્યાપારીઓના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. આ હડતાલ પાછળ સંગઠનની મુખ્ય ત્રણ માંગણીઓ છે:
1. GSR 817 નોટિફિકેશન રદ કરવું: ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન (GSR 817) તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર થાય.
2. કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશન(જેમ કે GSR 220)ને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.
3. ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઑર્ડર(DPCO)માં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હડતાલની વ્યાપક અસર
ગુજરાતમાં પણ ઓનલાઇન દવાના વેચાણ સામે અગાઉ અપાયેલા અલ્ટીમેટમ બાદ અમદાવાદ અને રાજ્યભરના કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે. 'ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ઍસોસિએશન'ના જણાવ્યા અનુસાર, આ બંધના કારણે સમગ્ર ગુજરાતમાં નાની-મોટી 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે. એકલા અમદાવાદ શહેરમાં જ 3 હજારથી વધુ કેમિસ્ટ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ 6 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સના શટર બંધ રહેશે. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.
દર્દીઓ માટે ઇમરજન્સી વ્યવસ્થા: આ જગ્યાઓ પર દવાઓ મળશે
- હડતાલ દરમિયાન કટોકટીના સમયે દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશન અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:
- હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં દવાખાનાઓ કે હોસ્પિટલ પરિસરમાં આવેલા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવશે.
- ગામડાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા: જે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી હોસ્પિટલો કે દવાખાના નથી, ત્યાં દર્દીઓની સુવિધા માટે ગામ દીઠ ઓછામાં ઓછી એક દવાની દુકાન ખુલ્લી રાખવામાં આવશે.
- સરકારી કેન્દ્રો ખુલ્લા રહેશે: દેશભરમાં તમામ 'પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો' પર દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
દેશભરમાં મિશ્ર પ્રતિસાદ: વહીવટી તંત્ર અને કમિશનર ઍલર્ટ
આ દેશવ્યાપી હડતાલને લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. 'સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન'(CDSCO)ના અધિકારીઓએ જણાવ્યું કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોના સંગઠનોએ આ હડતાલથી અંતર રાખ્યું છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, હરિયાણા, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રિટેલ ફાર્મસી એસોસિએશન્સે લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ દવાઓની અછત સર્જાવા નહીં દે.
જોકે, કર્ણાટકના કેટલાક ભાગોમાં 20 હજારથી વધુ કેમિસ્ટ અને મધ્ય પ્રદેશના ૫૨ જિલ્લા સંગઠનો આ બંધમાં સક્રિય હોવાથી ત્યાં મોટી અસર જોવા મળી શકે છે. તેલંગાણા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને જનતા માટે એડવાઇઝરી અને ટોલ-ફ્રી નંબર જાહેર કર્યા છે તેમજ એપોલો અને મેડપ્લસ જેવા કોર્પોરેટ સ્ટોર્સને ફરજિયાત ખુલ્લા રહેવા આદેશ આપ્યા છે. સરકારી અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કેમિસ્ટોની વાજબી ચિંતાઓ પર વિચારણા ચાલુ છે, પરંતુ દર્દીઓના જીવના જોખમે દવાની કાળાબજારી કે કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



