GSRTCની 8 હજારથી વધુ બસોમાં QR આધારિત ફીડબેક સિસ્ટમ, 3 લાખથી વધુ મુસાફરોએ આપ્યો પ્રતિસાદ



GSRTCની 8 હજારથી વધુ બસોમાં QR આધારિત ફીડબેક સિસ્ટમ, 3 લાખથી વધુ મુસાફરોએ આપ્યો પ્રતિસાદ



ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વધુ સારી અને સુવિધાસભર સેવા આપવા માટે શરૂ કરવામાં આવેલી QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી આ વ્યવસ્થા હવે 8 હજારથી વધુ બસો અને 125 બસ સ્ટેશન તેમજ ડેપો કંટ્રોલ પોઇન્ટ સુધી વિસ્તરાવવામાં આવી છે.
મુસાફરો હવે મુસાફરી દરમિયાન QR કોડ સ્કેન કરીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સીધો પ્રતિસાદ આપી શકે છે તેમજ સેવાને લગતી ફરિયાદો પણ નોંધાવી શકે છે. શરૂઆતમાં આ વ્યવસ્થા માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં અમલમાં મૂકાઈ હતી, પરંતુ સકારાત્મક પ્રતિસાદ બાદ તેને રાજ્યભરમાં વિસ્તૃત કરવામાં આવી છે.
1 માર્ચથી 19 જૂન 2026 દરમિયાન મળેલા પ્રતિસાદ મુજબ 3,13,824થી વધુ મુસાફરોએ ફીડબેક આપ્યો છે. GSRTCને કુલ 5માંથી સરેરાશ 4.7 સ્ટાર રેટિંગ મળ્યું છે, જે મુસાફરોના ઊંચા સંતોષનું પ્રતિબિંબ છે.
નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviએ જણાવ્યું હતું કે GSRTC માત્ર પ્રતિસાદ એકત્રિત જ નથી કરતી, પરંતુ મુસાફરો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અને સૂચનો પર તાત્કાલિક કાર્યવાહી પણ કરે છે. તમામ ફરિયાદો સંબંધિત વિભાગો અને સ્થાનિક ડેપો સુધી પહોંચાડવામાં આવે છે અને જરૂરી સુધારાત્મક પગલાં ઝડપથી લેવામાં આવે છે.
ફીડબેક રિપોર્ટ અનુસાર વિવિધ સેવાઓ માટે મુસાફરોએ ઊંચું રેટિંગ આપ્યું છે. જેમાં સ્ટાફના વર્તન અને મુસાફરોની સુરક્ષાને 4.9 સ્ટાર, જ્યારે સ્વચ્છતા, બેઠકની સુવિધા અને સમયપાલનને 4.8 સ્ટારનું રેટિંગ મળ્યું છે.
GSRTCના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરોનો પ્રતિસાદ સંસ્થાના સતત સુધારા માટે મહત્વપૂર્ણ સાધન છે અને નિગમ સુરક્ષિત, વિશ્વસનીય અને મુસાફર-મૈત્રીપૂર્ણ જાહેર પરિવહન સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે.




