Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતને મળ્યા નવા ડીજીપી, જી. એસ. મલિક સંભાળશે રાજ્ય પોલીસનું સુકાન

ગુજરાત સરકારે રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જી. એસ. મલિકની નિમણૂક કરી છે. છેલ્લા પાંચ મહિનાથી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા કે. એલ. એન. રાવ હવે CID ક્રાઈમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત રહેશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 03:07 PM IST
ગુજરાતને મળ્યા નવા ડીજીપી, જી. એસ. મલિક સંભાળશે રાજ્ય પોલીસનું સુકાનગુજરાતને મળ્યા નવા ડીજીપી, જી. એસ. મલિક સંભાળશે રાજ્ય પોલીસનું સુકાન

અમદાવાદ: ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે વરિષ્ઠ આઈપીએસ અધિકારી જી. એસ. મલિકની નિમણૂક કરી છે. છેલ્લા પાંચ મહિનાથી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા કે. એલ. એન. રાવ હવે CID ક્રાઈમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત રહેશે.

ગૃહ વિભાગ દ્વારા 6 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને 1993 બેચના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી. એસ. મલિક)ને તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યના ડીજીપી અને આઈજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

માહિતી મુજબ, 1 જાન્યુઆરી, 2026થી ડીજીપી પદનો વધારાનો ચાર્જ કે. એલ. એન. રાવ સંભાળી રહ્યા હતા. હવે રાજ્ય સરકાર દ્વારા કાયમી ડીજીપી તરીકે જી. એસ. મલિકની નિમણૂક કરવામાં આવતા લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષર સાથે જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે જી. એસ. મલિકની નિમણૂક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ-17 હેઠળ રૂ. 2.25 લાખના નિશ્ચિત માસિક પગાર ધોરણ સાથે કરવામાં આવી છે.

રાજ્યપાલના નામે જારી કરાયેલા આ આદેશની નકલ મુખ્યમંત્રી કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, UPSC સહિત સંબંધિત વિભાગોને મોકલવામાં આવી છે.

જી. એસ. મલિક અત્યાર સુધી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની નવી નિમણૂક બાદ હવે અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળશે. રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારી તરીકે જી. એસ. મલિક હવે ગુજરાત પોલીસના વહીવટ, કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.

રાજ્યના પોલીસ બેડામાં આ ફેરફારને મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.