Get News Alerts

Never miss breaking news updates.

ગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમના મોત, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: પ્રફુલ પાનશેરીયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બે ગામોમાં ચાંદીપુરા વાયરસના કારણે બે માસૂમ બાળકોના મોત થતાં રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે, દવાનો છંટકાવ અને આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 Jul 2026 03:22 PM IST
ગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમના મોત, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: પ્રફુલ પાનશેરીયાગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમના મોત, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ થયાની પુષ્ટિ થયા બાદ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ ઘટનાને દુઃખદ ગણાવતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક નિયંત્રણાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ મંત્રીશ્રીએ જણાવ્યું કે તપાસ દરમિયાન અસરગ્રસ્ત ગામોમાં 'સેન્ડ ફ્લાય' નામની માખી જોવા મળી છે, જે સામાન્ય રીતે કાચા મકાનોની તિરાડોમાં વસવાટ કરતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને બંને ગામો સહિત આસપાસના વિસ્તારોમાં દવાનો સઘન છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની વિશેષ ટીમો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગઈ છે. ઉપરાંત સ્થાનિક આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સઘન સર્વે, આરોગ્ય તપાસ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અગાઉ વર્ષ 2024માં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તે વિસ્તારોમાં પણ સાવચેતીના ભાગરૂપે સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે તમામ આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ અને જંતુનાશક પાવડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જો કોઈ બાળકમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.

પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને આશ્વસ્ત કરતાં જણાવ્યું કે હાલ ગોધરા તાલુકાના આ બે ગામો સિવાય રાજ્યના અન્ય કોઈ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો નથી. તેમણે લોકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, કાચા મકાનોની તિરાડો પૂરવા તેમજ બાળકોને માખી અને જીવજંતુઓથી સુરક્ષિત રાખવા અપીલ કરી છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ચાંદીપુરા વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ જરૂરી આરોગ્ય વ્યવસ્થા સજ્જ છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.