ગિરનારની સીડી પર ફરી ત્રણ નર સિંહો દેખાયા, વન વિભાગે સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડ્યા


ગિરનારની સીડી પર ફરી ત્રણ નર સિંહો દેખાયા, વન વિભાગે સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડ્યા


જૂનાગઢ: ગિરનારની સીડી પર ફરી એકવાર ત્રણ નર સિંહોની અવરજવર જોવા મળતાં વન વિભાગ સતર્ક બન્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે આશરે 3:00 વાગ્યે ગિરનાર પર નવી સીડીના આશરે 50મા પગથિયા પાસે ત્રણ નર સિંહો જોવા મળ્યા હતા. આ સ્થળ થોડા દિવસો અગાઉ બાળક સાથે બનેલી ઘટનાના વિસ્તારની નજીક હોવાનું જાણવા મળ્યું છે.
સિંહોની હાજરીની જાણ થતાં ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ અને સાસણની ટ્રેકર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સિંહોની પાછળ રહી તેમની હિલચાલ પર સતત નજર રાખી હતી અને સમગ્ર કામગીરી દરમિયાન સિંહોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેમજ ગિરનાર પર આવતા યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.
જૂનાગઢ વન વિભાગની સતર્કતા અને સતત દેખરેખના પરિણામે ત્રણેય નર સિંહોને સુરક્ષિત રીતે ગિરનારની સીડીનો વિસ્તાર પાર કરાવી જંગલ તરફ આગળ રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના બની નહોતી.
વન વિભાગે યાત્રાળુઓને જંગલી પ્રાણીઓ જોવા મળે તો તેમની નજીક ન જવા અને વનકર્મીઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.




