ગિરનારના નવા-જૂના પગથિયાં અને દાતાર માર્ગ 'સાયલન્સ ઝોન' જાહેર

ગિરનાર વિસ્તારમાં તાજેતરમાં માનવ-સિંહ સંઘર્ષની ઘટનાઓ બાદ જૂનાગઢ જિલ્લા તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને ગિરનારના નવા અને જૂના પગથિયાં તેમજ દાતારના માર્ગને 'સાયલન્સ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. હવે આ માર્ગો પર લાઉડસ્પીકર, ડીજે, ઊંચા અવાજે ભજન-કીર્તન અને અન્ય ઘોંઘાટવાળી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.
Rahul Desai
Rahul Desai
ગિરનારના નવા-જૂના પગથિયાં અને દાતાર માર્ગ 'સાયલન્સ ઝોન' જાહેરગિરનારના નવા-જૂના પગથિયાં અને દાતાર માર્ગ 'સાયલન્સ ઝોન' જાહેર

જૂનાગઢ: ગિરનાર વિસ્તારમાં તાજેતરમાં બનેલી માનવ-સિંહ સંઘર્ષની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા તંત્રએ ગિરનારના નવા પગથિયાં, જૂના પગથિયાં અને દાતારના પગથિયાંને 'સાયલન્સ ઝોન' (શાંત વિસ્તાર) તરીકે જાહેર કર્યા છે. આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષા તેમજ જંગલી પ્રાણીઓના સંરક્ષણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

પ્રાંત અધિકારી નિકુંજકુમાર ઘુલાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડીને આ આદેશ અમલમાં મૂક્યો છે. આ નિર્ણય 13 જુલાઈએ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જૂનાગઢ વન વિભાગની દરખાસ્તના આધારે લેવામાં આવ્યો હતો.

જાહેરનામા મુજબ ગિરનારના નિર્ધારિત માર્ગો પર હવે લાઉડસ્પીકર, ડીજે, એમ્પ્લિફાયર સાથે ભજન-કીર્તન, નારેબાજી, વાદ્યયંત્રો, મ્યુઝિક સિસ્ટમ તેમજ મોબાઇલ ફોનમાં ઊંચા અવાજે ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન્યજીવોને ખલેલ પહોંચાડે તેવા કોઈપણ પ્રકારના અનાવશ્યક અવાજ પર પણ રોક લગાવવામાં આવી છે.

ગિરનાર હિન્દુ અને જૈન ધર્મના અતિ મહત્વના તીર્થસ્થળોમાંનું એક છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં આવે છે. રોપ-વે શરૂ થયા બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

વન વિભાગના જણાવ્યા મુજબ, વધુ પડતો અવાજ સિંહ સહિતના વન્યજીવોના કુદરતી વર્તનમાં વિક્ષેપ ઊભો કરે છે, જેના કારણે માનવ અને વન્યજીવો વચ્ચે અથડામણની શક્યતા વધી જાય છે. આથી, ગિરનાર વિસ્તારમાં શાંતિ જળવાય અને યાત્રાળુઓ તેમજ વન્યજીવો બંને સુરક્ષિત રહે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.