ગીરનારની સીડી ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, હુમલામાં કરુણ મોત


ફાઈલ ફોટો
ગીરનારની સીડી ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, હુમલામાં કરુણ મોત


ફાઈલ ફોટો
જૂનાગઢ: પવિત્ર ગીરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે હચમચાવી નાખતી ઘટના બની છે. પરિવાર સાથે ગીરનારની સીડી ચઢી રહેલા 12 વર્ષના બાળક પર અચાનક સિંહે હુમલો કરી તેને જંગલ તરફ ખેંચી જતા બાળકનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ગીરનાર પર આવેલા યાત્રિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
મૃતક બાળકની ઓળખ મયૂર તરીકે થઈ છે. મયૂરનો પરિવાર ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોદજ ગામનો રહેવાસી છે અને ગીરનારની યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. ઘટના બાદ વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે ગીરનારની મુખ્ય સીડી પરથી અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.
મયૂરના કાકા અનિલકુમારના જણાવ્યા અનુસાર, પરિવાર ગીરનારના મુખ્ય પ્રવેશદ્વારથી આશરે 50 જેટલા પગથિયાં ચઢ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને મયૂર પર પાછળથી હુમલો કર્યો હતો. સિંહ બાળકને ખેંચીને નજીકના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. આંખ સામે બનેલી ઘટનાથી પરિવાર અને યાત્રિકોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન જંગલ વિસ્તારમાંથી બાળકના ચપ્પલ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
પરિવારનો તંત્ર પર ગંભીર આરોપ
ઘટનાને લઈને મૃતક બાળકના પરિવારે તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. પરિવારનો આરોપ છે કે ગીરનારની સીડીઓ પર પૂરતી લાઇટની વ્યવસ્થા નથી. વહેલી સવારના અંધકારમાં જંગલી પ્રાણીઓની હાજરીનો ખ્યાલ આવતો નથી, જેના કારણે આવી ગંભીર ઘટના બની છે.
પરિવારજનોએ ગીરનારના સમગ્ર સીડી માર્ગ પર પૂરતી લાઇટની વ્યવસ્થા કરવા તેમજ ચોક્કસ અંતરે વન વિભાગના કર્મચારીઓને તૈનાત કરવાની માંગ કરી છે.
સિંહને શોધવા વન વિભાગની ટીમો કામે લાગી
બીજી તરફ વન વિભાગે હુમલો કરનાર સિંહને શોધવા માટે અનેક ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘટનાસ્થળની આસપાસ સિંહને પકડવા માટે પાંજરાં પણ મૂકવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિકોના આરોપ મુજબ ઘટના બન્યાના આશરે બે કલાક બાદ RFO સ્થળ પર પહોંચ્યા હતા. હાલ સમગ્ર મામલે વન વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




