Get News Alerts

Never miss breaking news updates.

ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી હાઇવે પર લટાર મારતો સિંહ પરિવાર કેમેરામાં કેદ, વાહનચાલકો થંભી ગયા

ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે ચાર સિંહોનો પરિવાર વેરાવળ–ભાવનગર હાઇવે પર નિર્ભય રીતે લટાર મારતો જોવા મળ્યો. કોડીનાર તાલુકાના દેવળી ગામ નજીક મધરાતે બનેલી આ ઘટના વાહનચાલકો માટે રોમાંચક અને ચિંતાજનક બની હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jul 2026 02:59 PM IST
ગીર સોમનાથમાં  ધોધમાર વરસાદથી હાઇવે પર લટાર મારતો સિંહ પરિવાર કેમેરામાં કેદ, વાહનચાલકો થંભી ગયાગીર સોમનાથમાં  ધોધમાર વરસાદથી હાઇવે પર લટાર મારતો સિંહ પરિવાર કેમેરામાં કેદ, વાહનચાલકો થંભી ગયા

ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે સિંહ પરિવારનો એક અનોખો નજારો સામે આવ્યો છે. વેરાવળ–ભાવનગર હાઇવે પર કોડીનાર તાલુકાના દેવળી ગામના મજેવડી વાડી વિસ્તાર નજીક ચાર સિંહોનો પરિવાર હાઇવે પર લટાર મારતો જોવા મળ્યો હતો. આ સમગ્ર દૃશ્ય ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, આ સિંહ પરિવાર લાંબા સમયથી દેવળી ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. ગત રાત્રે અંદાજે 12 વાગ્યાના સમયે મુશળધાર વરસાદ દરમિયાન સિંહો હાઇવે પર આવી પહોંચ્યા હતા અને થોડો સમય સુધી નિર્ભય રીતે રસ્તા પર ફરતા રહ્યા હતા.

અચાનક હાઇવે પર સિંહો દેખાતા બંને તરફથી આવતા વાહનચાલકોએ સાવચેતીના ભાગરૂપે પોતાના વાહનો રોકી દીધા હતા. સિંહો રસ્તા પરથી પસાર થઈ ગયા બાદ જ વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.

સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ કે અણધારી ઘટના સર્જાઈ નહોતી. જોકે, વરસાદી મોસમ દરમિયાન જંગલ વિસ્તારને અડીને આવેલા માર્ગો પર વન્ય પ્રાણીઓની અવરજવર વધતી હોવાથી વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
 
 
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.