ગીરના સિંહ બાળોના મૃત્યુ મુદ્દે સરકાર એક્શન મોડમાં : CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી



ગીરના સિંહ બાળોના મૃત્યુ મુદ્દે સરકાર એક્શન મોડમાં : CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી



ગાંધીનગર : ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળોના દુઃખદ મૃત્યુના મામલે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની તલસ્પર્શી સમીક્ષા કરી હતી અને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી હતી.

4 સિંહ બાળોના મોતની પુષ્ટિ
પ્રાથમિક વિગતો મુજબ જુદા જુદા વિસ્તારોમાં કુલ 4 સિંહ બાળોના મૃત્યુ નોંધાયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
17 સિંહ આઇસોલેટ, ખાસ દેખરેખ શરૂ
સંબંધિત વિસ્તારમાં રહેલા કુલ 17 સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમની સતત આરોગ્ય તપાસ તથા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
10 કિ.મી. રેડિયસમાં સઘન મોનીટરીંગ
ગીર-ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિ.મી.ના વિસ્તારને ફોકસમાં રાખી તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સુધી અન્ય કોઈ સિંહમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી.
અમરેલી–ભાવનગરમાં પણ એલર્ટ મોડ
અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારોમાં પણ વન વિભાગ દ્વારા તમામ સિંહોની નિયમિત અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
350થી વધુ સિંહોનું ડી-ટિકિંગ અને સારવાર
સીઝનલ બીમારીઓથી બચાવવા માટે ગીર વિસ્તારમાં 350થી વધુ સિંહોનું ડી-ટિકિંગ સહિતના આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડોક્ટરો પણ જોડાયા છે.
વન વિભાગ અને રાજ્ય તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સિંહોના આરોગ્ય સુરક્ષાને લઈને તમામ જરૂરી પગલાં ઝડપી ગતિએ લેવામાં આવી રહ્યા છે.




