રાજ્યમાં વિશ્વ વણઝારા દિવસની ધામધૂમથી ઉજવણી, NRIનું સ્ટેટ્સ આપવા માગ



રાજ્યમાં વિશ્વ વણઝારા દિવસની ધામધૂમથી ઉજવણી, NRIનું સ્ટેટ્સ આપવા માગ



ગાંધીનગરઃ 8 એપ્રિલે વિશ્વભરમાં વિશ્વ વણઝારા દિવસ ઉજવાયો છે. જેમાં યુરોપ, અમેરિકા, ભારત સહિત અનેક દેશોમાં વણઝારા સમાજના અધિકારો અને સમસ્યાઓ પર ચર્ચા થઈ હતી. ભારતમાં વણઝારા સમાજની વસ્તી 5 કરોડ છે, જ્યારે ગુજરાતમાં 20 લાખથી વધુ લોકો છે.
યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 5 લાખ વણઝારાઓની હત્યા થઈ હોવાનું જણાવાયું છે. વણઝારા સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ‘અમને પણ એનઆરઆઈનું સ્ટેટ્સ મળવું જોઈએ અને પ્રમાણપત્રો મેળવવામાં આવતી મુશ્કેલીઓ દૂર થવી જોઈએ.’
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં સરકાર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વણઝારા સમાજે તેમની પરંપરા, સંસ્કૃતિ જળવાઈ રહે અને સરકાર તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવા માગ સાથે મેમોરેન્ડમ પણ રજૂ કર્યો હતો.
વણઝારા સમાજના આગેવાન કે.જી વણઝારાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘આજે 8 એપ્રિલે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં વિશ્વ વણજારા દિવસની ઉજવણી થઈ રહી છે. યુનેસ્કોએ આ દિવસને રોમા વણજારા દિવસ તરીકે સ્થાપિત કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ વણઝારા સમાજની ઓળખ અને સમસ્યાઓને ઉજાગર કરવું છે. વણજારા સમાજ અગાઉ સમૃદ્ધ અને રાજપૂત સમુદાયના ભાગરૂપે ઓળખાતો હતો, પરંતુ અંગ્રેજોના આગમન પછી પછાત થયો છે. વણઝારા સમાજે ભૂતકાળની ઓળખ ગુમાવી છે, પરંતુ આજે પણ તેની સમસ્યાઓ યથાવત છે.’
આ પ્રસંગે ગાંધીનગરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના પ્રતિનિધિઓએ સરકારને મેમોરેન્ડમ આપવાની તૈયારી કરી છે, જેમાં તેમની સમસ્યાઓ અને માગણીઓનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સરકાર પ્રતિબદ્ધ છે.’




