ગાંધીનગરમાં UGVCLની ઘોર બેદરકારી? પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીને ફટકારાયું ₹4.97 લાખનું વીજ બિલ,



ગાંધીનગરમાં UGVCLની ઘોર બેદરકારી? પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીને ફટકારાયું ₹4.97 લાખનું વીજ બિલ,



ગાંધીનગર ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગુડા આવાસમાં UGVCLની કથિત બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યોજનાના એક લાભાર્થીને અચાનક જ ₹4,97,420.38નું વીજ બિલ મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
લાભાર્થીના જણાવ્યા મુજબ તેમના ઘરમાં માત્ર સામાન્ય ઘરગથ્થુ વીજળીનો જ ઉપયોગ થાય છે. તેમ છતાં લાખો રૂપિયાનું બિલ મળતાં તેઓ ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આટલી મોટી રકમનું બિલ કેવી રીતે આવ્યું તે અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે.
પ્રાથમિક રીતે બિલમાં કોઈ તકનિકી ખામી, મીટર રીડિંગમાં ગેરરીતિ અથવા બિલિંગ પ્રક્રિયામાં થયેલી ભૂલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહિશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રહિશોનું કહેવું છે કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા લોકોને આવી રીતે ખોટા અથવા શંકાસ્પદ વીજ બિલોથી પરેશાન કરવું યોગ્ય નથી. તેમણે UGVCL પાસે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
દરમિયાન, સંબંધિત લાભાર્થીએ UGVCL કચેરીમાં લેખિત રજૂઆત કરીને બિલની પુનઃચકાસણી કરવા અને યોગ્ય સુધારો કરી ન્યાય આપવાની માંગ કરી છે. હવે સૌની નજર UGVCLની કાર્યવાહી પર છે કે કંપની આ મામલે કેટલી ઝડપથી તપાસ પૂર્ણ કરે છે અને લાભાર્થીને રાહત આપે છે.




