ગાંધીનગરના નવા સચિવાલયમાં ફરી ઝેરી સાપ દેખાતા દોડધામ



ગાંધીનગરના નવા સચિવાલયમાં ફરી ઝેરી સાપ દેખાતા દોડધામ



ગાંધીનગર | રાજ્યના નવા સચિવાલયમાં ઝેરી સાપ જોવા મળવાની ઘટનાઓ ફરીવાર સામે આવી છે. બુધવારે સવારે ગેટ નં. 4 પાસે આવેલી બાગાયત વિભાગની નર્સરીમાં 5 ફૂટ લાંબો અત્યંત ઝેરી ખડચિતળો (Russell’s Viper) દેખાતા કર્મચારીઓમાં અચાનક ગભરાટ ફેલાઈ ગયો હતો. ફૂલછોડ વચ્ચે સાપ નજરે પડતાં જ કામગીરી કરતા કર્મચારીઓએ તરત જ કામ અટકાવી સુરક્ષિત અંતર જાળવી લીધું હતું.
માહિતી મુજબ સવારે આશરે 11:15 વાગ્યે આ ઘટના બની હતી. નર્સરીમાં કામકાજ દરમિયાન કર્મચારીઓએ ઝાડી-ઝાંખરા વચ્ચે ખડચિતળો ફરતો જોવા મળ્યો હતો. સાપની અત્યંત ઝેરી અને આક્રમક પ્રજાતિ હોવાને કારણે કર્મચારીઓએ કોઈ જોખમ ન લેતા તાત્કાલિક આસપાસના લોકોને દૂર રહેવા સૂચના આપી હતી અને વન વિભાગ તેમજ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં જ પર્યાવરણપ્રેમી અને નિઃશુલ્ક સર્પ-પક્ષી બચાવ કામગીરી માટે જાણીતા નિવૃત્ત બેન્ક મેનેજર પ્રદીપ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જરૂરી રેસ્ક્યુ સાધનોની મદદથી ખૂબ સાવધાનીપૂર્વક ખડચિતળાનું રેસ્ક્યુ કર્યું હતું. સાપને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે કાબૂમાં લઈ બાદમાં તેને વનવિભાગની માર્ગદર્શિકા મુજબ યોગ્ય જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નવા સચિવાલય પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી સાપ દેખાવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભેજ, ઝાડી-ઝાંખરા અને પાણી ભરાવાના કારણે સર્પો માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે તેઓ માનવ વસવાટ તરફ આવી જતા હોવાનું માનવામાં આવે છે.
ખડચિતળો દેશના સૌથી ઝેરી સાપોમાંથી એક ગણાય છે. તેના દંશથી ગંભીર આરોગ્ય જોખમ ઊભું થઈ શકે છે. તેથી આવા સાપ દેખાય ત્યારે સામાન્ય લોકો દ્વારા તેને પકડવાનો પ્રયાસ ન કરી નિષ્ણાત રેસ્ક્યુ ટીમનો જ સંપર્ક કરવો જરૂરી છે.
સમયસર કરાયેલા રેસ્ક્યુના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને સચિવાલયના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર સચિવાલય પરિસરમાં નિયમિત સફાઈ, મોનિટરિંગ અને સર્પ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.




