ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા સામે સરકારની કાર્યવાહી, 4 શખ્સોની અટકાયત



ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા સામે સરકારની કાર્યવાહી, 4 શખ્સોની અટકાયત



Gandhinagar News: ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા અને ડુપ્લિકેટ ખાતર-બિયારણના વેચાણમાં સંડોવાયેલા તત્વો સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના સીધા આદેશ હેઠળ ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ, કાળાબજારી અને નકલી કૃષિ સામગ્રીના વેપાર સામે ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટીઝ (PBM) એક્ટ-1980 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લિકેટ ખાતરના વેચાણ મામલે થયેલી તપાસ બાદ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓ સામે PBM એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, ખાતર અને બિયારણના ડુપ્લિકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનારાઓ સામે હવે માત્ર વહીવટી કાર્યવાહી નહીં પરંતુ PBM એક્ટ જેવી કડક કાયદાકીય જોગવાઈ હેઠળ જેલની સજા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ખેડૂતોના હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. ગેરકાયદેસર, પ્રતિબંધિત અથવા ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રીનું વેચાણ કરનારાઓ સામે લાયસન્સ રદ કરવાની સાથે વારંવાર ગેરરીતિ કરનારાઓને જેલ મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, ખાતર અને બિયારણ ખેડૂતો માટે પાયાની જરૂરિયાત છે અને નકલી માલ વેચીને ખેડૂતોના પાક અને મહેનતને નુકસાન પહોંચાડનારાઓ સામે આ કાર્યવાહી માત્ર શરૂઆત છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી ફરિયાદો સામે તપાસ કરીને જરૂરી હોય ત્યાં PBM એક્ટ હેઠળ કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે.
કૃષિમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું કે, કાળાબજારી અથવા નકલી કૃષિ સામગ્રીના વેચાણમાં સંડોવાયેલા કોઈપણ વિક્રેતા સામે સરકાર દયા દાખવશે નહીં અને તેમની સામે PBM એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ દરમિયાન ગેરરીતિ બદલ રાજ્યમાં 68 ખાતર વિક્રેતાઓ, 17 બિયારણ વિક્રેતાઓ અને 13 જંતુનાશક દવાના વિક્રેતાઓ સહિત કુલ 98 વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત અથવા રદ કરવામાં આવ્યા છે.
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે, સરકાર તેમના હિતોની સુરક્ષા માટે સતત કાર્યરત છે અને ડુપ્લિકેટ કૃષિ સામગ્રી વેચીને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડનારાઓ સામેની કાર્યવાહી આગામી સમયમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે.
ગુનામાં સંડોવાયેલા ઇસમો અને તેમની વિરુદ્ધનો ગુનો
1. મહેશભાઇ ચોથાભાઇ જાપડિયા (ઉંમર વર્ષ ૩૩), રહે. આનંદધામ સોસાયટી, જસદણ, જિ. રાજકોટ.
અમરેલીના બાબરા તાલુકાના ખંભાળા ગામે આવેલ 'શ્રી ફર્ટીલાઇઝર'માં તપાસ દરમિયાન ત્યાંથી ઇફ્કો કંપનીના નામની બનાવટી બેગમાં ભરેલું 299 બેગ હલ્કી ગુણવત્તાનું DAP ખાતર મળી આવ્યું હતું. આ ખાતરના ત્રણ નમૂનાઓ જૂનાગઢ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જે ત્રણેય નમૂના 'ના-પાસ' જાહેર થયા હતા. આ ખાતરનું ખરીદી બિલ કે સ્ત્રોત પ્રમાણપત્ર નહોતું અને સ્ટોક રજીસ્ટરમાં પણ તેની કોઈ નોંધ નહોતી.
2. જીગ્નેશભાઇ રમેશભાઇ ડાભી (ઉંમર વર્ષ ૨૬), રહે. મુ. રામપરા, તા. ગઢડા, જિ. બોટાદ
ઇસમ દ્વારા ઇફ્કો કંપનીના માર્કાવાળી બનાવટી પ્લાસ્ટિકની બેગમાં ખેડૂતોને સબસીડીમાં મળતા ઓરીજનલ ડી.એ.પી. ખાતરના નામે ખૂબ જ હલકી ગુણવત્તાનું ખાતર ભરીને વેચ્યું હતું. આ તપાસમાં ખુલાસો થયો હતો કે, અન્ય ઇસમ મહેશભાઈ ચોથાભાઇ જાપડિયાએ હલકી ગુણવત્તાનું ખાતર જીગ્નેશભાઇ પાસેથી ખરીદ્યું હતું.
3. વિજયભાઇ ભરતભાઇ માલવીયા (ઉંમર વર્ષ ૩૦), રહે. નાના વરાછા, સુરત
બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઉપરોક્ત ગુના અંતર્ગત તેમણે આર્થિક લાભ મેળવવા માટે અન્ય ઇસમો સાથે મળીને ખેડૂતોને છેતરવા માટે સબસિડીવાળા ઓરિજનલ ખાતરના નામે પ્રસિદ્ધ કંપનીઓ જેમ કે, ઇફ્કોના માર્કાવાળી બનાવટી પ્લાસ્ટિક બેગમાં અત્યંત હલ્કી ગુણવત્તાનું નકલી ડી.એ.પી. ખાતર ભરીને ખેડૂતોને વેચ્યું હતું.
4. ભરતભાઇ ચીમનભાઇ ધાનાણી (ઉંમર વર્ષ ૩૯), રહે. લાલાવદર, તા.જિ. અમરેલી
તેઓ ઇફ્કો કંપની અને પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના (ભારત ડી.એ.પી.)ના માર્કવાળી બનાવટી પ્લાસ્ટિકની બેગ છપાવતા હતા. આ નકલી બેગમાં તેઓ અત્યંત હલ્કી ગુણવત્તાનું ખાતર ભરીને ખેડૂતોને અસલી ખાતર કહીને વેચતા હતા. મોટા આંકડીયા ગામમાં આવેલા તેમના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં હલ્કી ગુણવત્તાનું "સરોવર સરદાર" એમોનિયમ સલ્ફેટ ખાતર, પોલિહેલાઈટ, અન્ય ખાતરોની બેગ, ઓર્ગેનિક ખાતર તેમજ ખાતર પેક કરવા અને ટ્રકમાં લોડ કરવાની મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. લેબોરેટરી પરીક્ષણમાં પણ આ ખાતર હલ્કી ગુણવત્તાનું પ્રમાણિત થયું છે.




