ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર બંધ પડેલી બોટમાં ભીષણ આગ: ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો



ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર બંધ પડેલી બોટમાં ભીષણ આગ: ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો



અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે આજે અચાનક આગની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કિનારે પાર્ક કરીને રાખવામાં આવેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
આગની લપેટો જોઈને બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને જાગૃત નાગરિકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયરબ્રિગેડની ટીમે સમયસૂચકતા દાખવી ગાંધીબ્રિજ પરથી જ પાણીનો ભારે મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝડપી ઓપરેશનના કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગઈ હતી.
સદનસીબે બોટ બંધ હાલતમાં હોવાથી અને આસપાસ કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે.




