રોનાલ્ડોએ હાર સાથે વર્લ્ડ કપને કહ્યું અલવિદા, કહ્યું - મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, કોઈ પસ્તાવો નથી



રોનાલ્ડોએ હાર સાથે વર્લ્ડ કપને કહ્યું અલવિદા, કહ્યું - મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, કોઈ પસ્તાવો નથી



Ronaldo on Retirement: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનો ફિફા વર્લ્ડ કપનો પ્રવાસ હવે પૂર્ણ થયો છે. તેમણે પુષ્ટિ કરી કે, સ્પેન સામે રાઉન્ડ ઓફ 16માં પોર્ટુગલની હાર સાથે તેમણે છેલ્લો વર્લ્ડ કપ રમી લીધો છે. હવે તેઓ સાતમા વર્લ્ડ કપમાં ભાગ નહીં લે.
41 વર્ષીય રોનાલ્ડોએ પોતાના વર્લ્ડ કપ કારકિર્દીમાં કુલ 27 મેચ રમી છે. આ મામલે તેમની આગળ માત્ર આર્જેન્ટિનાના લિયોનેલ મેસી છે, જેમણે વર્લ્ડ કપમાં 30 મેચ રમી છે. જો કે, શાનદાર કારકિર્દી દરમિયાન રોનાલ્ડો વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યા નથી.
તેમણે વર્લ્ડ કપની 27 મેચોમાં કુલ 11 ગોલ કર્યા છે અને અનેક મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તેઓ વર્લ્ડ કપની છ અલગ-અલગ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા હતા. આ વર્લ્ડ કપમાં તેમણે ત્રણ ગોલ કર્યા હતા, જેમાં ઉઝબેકિસ્તાન સામે પોર્ટુગલની 5-0ની જીતમાં કરેલા બે ગોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે પ્રથમ વખત વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં પણ ગોલ કર્યો હતો. ક્રોએશિયા સામે પેનલ્ટી પરથી કરેલો તેમનો આ ગોલ પોર્ટુગલને અંતિમ-16 સુધી પહોંચાડવામાં નિર્ણાયક સાબિત થયો.
મેચ બાદ સ્પોર્ટ ટીવી સાથેની વાતચીતમાં રોનાલ્ડોએ કહ્યું, "હું ઠીક છું. દુઃખ માત્ર એટલું છે કે મારો વર્લ્ડ કપ આ રીતે સમાપ્ત થયો. પરંતુ જેમ મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું, મેં મારું સંપૂર્ણ સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને મને કોઈ પસ્તાવો નથી."
તેમણે આગળ કહ્યું, "ફૂટબોલરના જીવનમાં આવું બનતું રહે છે. ક્યારેક જીત મળે છે તો ક્યારેક હાર. આપણે આગળ વધતા રહેવું પડે છે. આ મારો છેલ્લો વર્લ્ડ કપ હતો. હવે હું મારા પરિવાર સાથે સમય વિતાવીશ અને કોઈ ઉતાવળમાં નિર્ણય નહીં લઉં."
રોનાલ્ડોએ પ્રથમ વખત 2006ના જર્મની વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તે ટૂર્નામેન્ટમાં તેમણે ઈરાન સામે પોતાનો પ્રથમ વર્લ્ડ કપ ગોલ કર્યો હતો અને પોર્ટુગલને 40 વર્ષ બાદ સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે 2010 (દક્ષિણ આફ્રિકા), 2014 (બ્રાઝિલ), 2018 (રશિયા) અને 2022 (કતાર)ના વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો અને દરેક આવૃત્તિમાં ઓછામાં ઓછો એક ગોલ કર્યો હતો.
રોનાલ્ડોએ કહ્યું કે, ‘હું આવતીકાલે સવારે પણ કોઈ પસ્તાવા વગર જાગીશ. મેં પોર્ટુગલ માટે ત્રણ મોટા ખિતાબ જીત્યા છે (એક યુરોપિયન ચેમ્પિયનશિપ અને બે યુઈએફએ નેશન્સ લીગ). મારા પહેલાં પોર્ટુગલે ક્યારેય કોઈ મોટો ખિતાબ જીત્યો નહોતો. તેથી મને મારી કારકિર્દી પર ગર્વ છે. મેં હંમેશા મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. હવે એક નવો દિવસ આવશે અને જીવન આગળ વધશે.’
રોનાલ્ડોએ 2016માં પોર્ટુગલને યુરોપિયન ચેમ્પિયનશિપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમની ટીમે બે વખત યુઈએફએ નેશન્સ લીગનું ખિતાબ પણ જીત્યું હતું. જો કે, વર્લ્ડ કપ ટ્રોફી તેમના કારકિર્દીની સૌથી મોટી અધૂરી ઇચ્છા બની રહી હતી. વર્લ્ડ કપમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 2006માં રહ્યું, જ્યારે પોતાના પ્રથમ જ ટૂર્નામેન્ટમાં તેમણે પોર્ટુગલને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું હતું.




