ફિફા વર્લ્ડ કપ: સેનેગલે ઈરાકને 5-0થી હરાવ્યું, નોકઆઉટમાં પહોંચવાની આશા જીવંત



ફિફા વર્લ્ડ કપ: સેનેગલે ઈરાકને 5-0થી હરાવ્યું, નોકઆઉટમાં પહોંચવાની આશા જીવંત



ટોરોન્ટો ટોરોન્ટોમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ગ્રુપ 'I'ની મેચમાં સેનેગલે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. મેચના પ્રારંભિક તબક્કામાં જ હબીબ દિયારાએ ડિફ્લેક્ટ થયેલા શોટ પર ગોલ ફટકારી ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી.
ઈરાકની મુશ્કેલીઓ 13મી મિનિટે વધી ગઈ હતી, જ્યારે સેડિયો માણે પર થયેલા ફાઉલની VAR સમીક્ષા બાદ ડિફેન્ડર રેબિન સુલાકાને રેડ કાર્ડ બતાવવામાં આવ્યો હતો. પરિણામે ઈરાકને મેચનો મોટાભાગનો સમય 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું.
પ્રથમ હાફમાં ઈરાકે વધુ ગોલ ખાવાથી બચવાનો પ્રયાસ કર્યો અને સ્કોર 1-0 જ રહ્યો. જોકે બીજા હાફમાં સેનેગલે સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું.
ઇસ્માઈલા સારે શાનદાર ગોલ કરીને સ્કોર 2-0 કર્યો. આ સાથે તેણે વર્લ્ડ કપમાં પોતાની કારકિર્દીનો ચોથો ગોલ નોંધાવ્યો અને સેનેગલ માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
ત્યારબાદ સબસ્ટિટ્યૂટ તરીકે આવેલા પેપે ગુયેએ બે શાનદાર ગોલ ફટકારી ટીમને 4-0ની મજબૂત લીડ અપાવી હતી. તેમના એક શોટની ઝડપ 84 કિમી પ્રતિ કલાક અને બીજા શોટની ઝડપ 103 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી, જેને ઈરાકનો ગોલકીપર રોકી શક્યો નહોતો.
મેચની 82મી મિનિટે ઇલિમાન એનડિયાયેએ પાંચમો ગોલ ફટકારી સેનેગલની 5-0ની ભવ્ય જીત પર મહોર મારી હતી.
આ જીત બાદ સેનેગલના ત્રણ મેચમાં ત્રણ પોઈન્ટ થયા છે અને ટીમ ગ્રુપમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, ઈરાકની ટીમ એક પણ પોઈન્ટ મેળવી શકી નહીં અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.




