દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં SOGના દરોડા, ગેરકાયદેસર માછીમારી કરતી 55 બોટ ઝડપી



દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં SOGના દરોડા, ગેરકાયદેસર માછીમારી કરતી 55 બોટ ઝડપી



દ્વારકા: દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા પોલીસ તંત્રએ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી નજીક દરિયામાં SOG ટીમે દરોડો પાડી કુલ 55 માછીમારી બોટોને ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ, ઓખામઢીથી આશરે 8 નોટિકલ માઈલ દૂર આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કરીને ‘લાઇન ફિશિંગ’ જેવી ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે SOG પોલીસે દરિયામાં જ ઓપરેશન હાથ ધર્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વધુ પ્રમાણમાં માછલી પકડવાની લાલચમાં બોટ માલિકોના સૂચનથી ટંડેલો દ્વારા લાઇન ફિશિંગ કરવામાં આવી રહી હતી, જે સમુદ્રી પર્યાવરણ અને નિયમો બંને માટે હાનિકારક છે.
પોલીસે ફિશરીઝ એક્ટ 2025ના નિયમ 43 મુજબ તમામ 55 બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સંકળાયેલા લોકો સામે પણ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહીથી દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર માછીમારી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.




