Disa: એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત નાઇટ સફારી ઝૂ, CZAની મંજૂરી

Desert Zoological Park: ડીસા ખાતે પ્રસ્તાવિત એશિયાનું પ્રથમ ‘ડેઝર્ટ-થીમ આધારિત ઝૂઓલોજિકલ પાર્ક અને ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી’ હવે આકાર લેવાની દિશામાં આગળ વધ્યું છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) તરફથી મંજૂરી મળી છે. જૂના ડીસા ખાતે આશરે 103 હેક્ટર વિસ્તારમાં રૂ. 542.14 કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.
Rahul Desai
Rahul Desai
Disa: એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત નાઇટ સફારી ઝૂ, CZAની મંજૂરીDisa: એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત નાઇટ સફારી ઝૂ, CZAની મંજૂરી

Desert Zoological Park: ડીસા ખાતે પ્રસ્તાવિત એશિયાનું પ્રથમ ‘ડેઝર્ટ-થીમ આધારિત ઝૂઓલોજિકલ પાર્ક અને ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી’ હવે આકાર લેવાની દિશામાં આગળ વધ્યું છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) તરફથી મંજૂરી મળી છે. જૂના ડીસા ખાતે આશરે 103 હેક્ટર વિસ્તારમાં રૂ. 542.14 કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વન્યજીવ સંરક્ષણની સાથે ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

83 પ્રજાતિના 2700 જેટલા પ્રાણી-પક્ષીઓ: 

પ્રસ્તાવિત ઝૂમાં અંદાજે 83 પ્રજાતિના 2700 જેટલા દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓ રાખવામાં આવશે. અહીં મુલાકાતીઓને વન્યજીવોને નજીકથી નિહાળવાની સાથે સંરક્ષણ, રેસ્ક્યૂ, પુનર્વસન અને પર્યાવરણીય શિક્ષણ અંગે પણ માહિતી આપવામાં આવશે.

પ્રોજેક્ટની ખાસિયતો: 

103 હેક્ટર વિસ્તારમાં ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક વિકસાવાશે.
પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 542.14 કરોડ છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની મંજૂરી મળી છે.
લગભગ 83 પ્રજાતિના 2700 જેટલા પ્રાણી-પક્ષીઓ રાખવામાં આવશે.
ડે ઝૂ ઉપરાંત 5 સમર્પિત નાઇટ સફારી એન્ક્લોઝર બનાવાશે.
રેપ્ટાઇલ સફારી, રેઇન ફોરેસ્ટ બાયોમ અને એક્વેરિયમ પણ મુખ્ય આકર્ષણ રહેશે.
બટરફ્લાય પાર્ક, પક્ષીઘર, સરિસૃપ ઘર અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર જેવી સુવિધાઓ હશે.
ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ અને ગોલ્ફ કાર્ટ સેવા પણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

રણના પ્રાણીઓ બનશે ખાસ આકર્ષણ: 

ડેઝર્ટ થીમને ધ્યાનમાં રાખીને ભારતીય રણના પ્રાણીઓ ઉપરાંત આફ્રિકન અને ઓસ્ટ્રેલિયન રણપ્રદેશના પ્રાણીઓને પણ અહીં સ્થાન આપવામાં આવશે. ભારતીય પ્રજાતિઓમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ઘૂડખર, કેરેકલ, ભારતીય વરુ, શિયાળ, ઝરખ અને ભારતીય રણ લોમડી સહિતના પ્રાણીઓનો સમાવેશ થશે.

આફ્રિકન રણના પ્રાણીઓમાં જિરાફ, ઝેબ્રા, ઓરિક્સ, બ્લેક રાઇનોસરોસ, મીરકાટ, આફ્રિકન ચિત્તો, આફ્રિકન સિંહ અને શાહમૃગ સહિતની પ્રજાતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. જ્યારે ઓસ્ટ્રેલિયન રણના કાંગારૂ, એમુ અને વોલાબી પણ અહીં જોવા મળશે.

પર્યાવરણને પણ પ્રાધાન્ય: 

પ્રોજેક્ટમાં પર્યાવરણીય અસર ઘટાડવા માટે વર્ષાજળ સંચય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર એનર્જી, સ્થાનિક વનસ્પતિનું વાવેતર અને ગ્રીન બફર ઝોન જેવી વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે.

ડીસાનું આ ડેઝર્ટ ઝૂ ભવિષ્યમાં વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળોની સાથે ઉત્તર ગુજરાતના મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.