ધોલેરામાં 200 MLD ક્ષમતાનો દરિયાઈ પાણી ડીસેલિનેશન પ્લાન્ટ બનશે, DPR પ્રક્રિયા શરૂ


ધોલેરામાં 200 MLD ક્ષમતાનો દરિયાઈ પાણી ડીસેલિનેશન પ્લાન્ટ બનશે, DPR પ્રક્રિયા શરૂ


ધોલેરા ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) દ્વારા ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટીની વધતી જતી પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 200 મિલિયન લિટર પ્રતિદિન (MLD) ક્ષમતાનો દરિયાઈ પાણી ડીસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખંભાતની ખાડી નજીક આવેલા ધોલેરામાં દરિયાઈ પાણીનું વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ સંસાધન હોવાથી તેનું શુદ્ધીકરણ કરીને ઉદ્યોગો તેમજ પીવાના પાણી માટે ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને સેમિકન્ડક્ટર ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને કેમિકલ જેવા હાઇ-વેલ્યૂ ઉદ્યોગોને સતત પાણીનો પુરવઠો મળી રહે તે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. આ પ્રોજેક્ટથી ધોલેરાને હવામાન પરિવર્તન સામે લડવામાં પણ મદદ મળશે.
આ ડીસેલિનેશન પ્લાન્ટમાં માત્ર પરંપરાગત ટેક્નોલોજી જ નહીં, પરંતુ રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) જેવી આધુનિક અને પર્યાવરણમૈત્રી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાન્ટ માટે ધોલેરાના સોલાર પાર્ક અથવા અન્ય હરિત ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાની સંભાવનાઓ પણ તપાસવામાં આવી રહી છે, જેથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળે.
ડીસેલિનેશન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ખારા પાણી (બ્રાઇન)માંથી ઉપયોગી સંસાધનોની પુનઃપ્રાપ્તિ કરીને સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને પણ અમલમાં મૂકવાની યોજના છે.
આ સમગ્ર પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટેડ હશે અને તેમાં Building Information Modeling (BIM), Digital Twin આધારિત એસેટ મેનેજમેન્ટ, SCADA અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અદ્યતન ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવામાં આવશે.
પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની પસંદગી લીસ્ટ કોસ્ટ સિલેક્શન (LCS) પદ્ધતિથી કરવામાં આવશે. પસંદ થયેલો કન્સલ્ટન્ટ આગામી 11 મહિનામાં ફીલ્ડ સર્વે, ટેક્નોલોજી પસંદગી, પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA), તેમજ ટેન્ડર દસ્તાવેજોની તૈયારી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરશે.




