રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને ફરી વિવાદ, અગાઉ પરચી નીકળેલી મહિલા આવી સમર્થનમાં



રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને ફરી વિવાદ, અગાઉ પરચી નીકળેલી મહિલા આવી સમર્થનમાં



રાજકોટ: રાજકોટમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. કાર્યક્રમ પૂર્વે ફરી એકવાર દિવ્ય દરબારને લઈને ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. ગત વખતની જેમ આ વખતે પણ સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળીયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દિવ્ય દરબારનો વિરોધ નોંધાવ્યો છે.
વિરોધ વચ્ચે ગત કાર્યક્રમ દરમિયાન જેમની પરચી ધીરેન્દ્ર શાસ્ત્રીએ કાઢી હતી તે સુરેખા મેવાડા નામની મહિલા ખુલ્લેઆમ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં સામે આવી છે. સુરેખા મેવાડાના જણાવ્યા મુજબ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પતિના રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાના સપનાનો ઉલ્લેખ પરચીમાં કર્યો હતો.
મહિલાએ દાવો કર્યો કે આ વાત માત્ર તેમને અને તેમના પતિને જ ખબર હતી, છતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પરચીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે તેમને બાબાની દિવ્ય શક્તિ અને કાર્યપદ્ધતિ પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.
સુરેખા મેવાડાએ વધુમાં કહ્યું કે દિવ્ય દરબાર અંગે શંકા વ્યક્ત કરનાર પુરુષોત્તમ પીપળીયા અને જયંત પંડ્યાએ પણ એક વખત બાબાના દરબારમાં હાજરી આપવી જોઈએ અને પોતે અનુભવ કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે જાત અનુભવ બાદ જ કોઈપણ વ્યક્તિ યોગ્ય અભિપ્રાય આપી શકે.
આગામી દિવસોમાં યોજાનારી હનુમાન કથા અને દિવ્ય દરબારને લઈને રાજકોટમાં ધાર્મિક તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. એક તરફ સમર્થકો બાબાના કાર્યક્રમને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ વિરોધીઓ પોતાના સવાલો યથાવત રાખી રહ્યા છે.




