Get News Alerts

Never miss breaking news updates.

15થી 20 વર્ષથી સેવા આપતા કર્મચારીઓની છટણી સામે કોંગ્રેસનો વિરોધ કર્યો

વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને નવી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા છૂટા કરવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. કર્મચારીઓને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા વિજ્ઞાન કેન્દ્ર બહાર ધરણા પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 15થી 20 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને પુનઃ નોકરીમાં લેવા માંગ સાથે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 11:56 AM IST
15થી 20 વર્ષથી સેવા આપતા કર્મચારીઓની છટણી સામે કોંગ્રેસનો વિરોધ કર્યો15થી 20 વર્ષથી સેવા આપતા કર્મચારીઓની છટણી સામે કોંગ્રેસનો વિરોધ કર્યો

વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત વિજ્ઞાન કેન્દ્રમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને નવી કોન્ટ્રાક્ટ કંપની દ્વારા છૂટા કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આશરે 12 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરાતા તેઓ અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

આ મુદ્દે વલસાડ-ડાંગના પૂર્વ સાંસદ કિશન પટેલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ દ્વારા વિજ્ઞાન કેન્દ્ર બહાર ધરણા પ્રદર્શન યોજાયું હતું. ધરણામાં તાલુકા કોંગ્રેસ મહામંત્રી મુફિદ પઠાણ, તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ, સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી છૂટા કરાયેલા કર્મચારીઓને પુનઃ નોકરીમાં લેવા અને તેમને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી.

આંદોલનકારીઓના જણાવ્યા મુજબ કેટલાક કર્મચારીઓ છેલ્લા 15થી 20 વર્ષથી વિજ્ઞાન કેન્દ્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા. તેમ છતાં નવી કોન્ટ્રાક્ટ કંપનીએ કોઈ યોગ્ય કારણ વિના તેમની સેવાઓ સમાપ્ત કરી દીધી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પૂર્વ સાંસદ કિશન પટેલે જણાવ્યું હતું કે કર્મચારીઓના હક્કોની લડતમાં કોંગ્રેસ તેમની સાથે ખભેખભા મિલાવીને ઉભી રહેશે. બીજી તરફ, છૂટા કરાયેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે નવી કોન્ટ્રાક્ટ વ્યવસ્થાના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને પરિવારના ભરણપોષણ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

કર્મચારીઓને વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.