ધારા કડીવાર હત્યા કેસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો, સુરજ ભૂવાજી સહિત 5 દોષિતોને આજીવન કેદ


ધારા કડીવાર હત્યા કેસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો, સુરજ ભૂવાજી સહિત 5 દોષિતોને આજીવન કેદ


જૂનાગઢ: રાજ્યને હચમચાવી નાખનાર ધારા કડીવાર હત્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી સુરજ સોલંકી ઉર્ફે 'ભૂવાજી' સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સુરજ સોલંકી અને 22 વર્ષીય ધારા કડીવાર સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. સંબંધોમાં તણાવ અને સતત થતા ઝઘડાઓ બાદ ધારાએ સુરજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ સુરજ અને તેના સાગરિતોએ ધારાને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસ તપાસ મુજબ, 19 જૂન, 2022ના રોજ હાઈકોર્ટના કામના બહાને ધારાને અમદાવાદ લઈ જવાની વાત કરી કારમાં બેસાડવામાં આવી હતી. રસ્તામાં સુરેન્દ્રનગર જિલ્લાના નોલી ગામ નજીક પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે આરોપીઓએ દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હત્યા બાદ આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ફિલ્મી ઢબે ષડ્યંત્ર રચ્યું હતું. CCTVમાં ધારા જીવતી હોવાનું દર્શાવવા માટે અન્ય વ્યક્તિને તેના કપડાં પહેરાવી રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત, ધારાના મોબાઇલમાંથી મેસેજ મોકલી તે મુંબઈ જતી રહી હોવાનું દર્શાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
જોકે, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), ટેક્નિકલ પુરાવા અને આરોપીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે સુરજ સોલંકી ઉર્ફે ભૂવાજી સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
કોર્ટના આ ચુકાદા બાદ મૃતક ધારા કડીવારના પરિવારજનોએ ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી. ધારાના ભાઈએ જણાવ્યું કે, "અમારી બહેન હવે પાછી નહીં આવે, પરંતુ તેને ન્યાય મળ્યો તે અમારા માટે સૌથી મોટી વાત છે." આ ચુકાદાને ગુજરાતના ચર્ચિત હત્યા કેસોમાં એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.




