કંસારીયા નેસમાં LCBનો દરોડો, 7.96 લાખનો મુદ્દામાલ જપ્ત



કંસારીયા નેસમાં LCBનો દરોડો, 7.96 લાખનો મુદ્દામાલ જપ્ત



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂના ગેરકાયદે ધંધા સામે એલસીબીને મોટી સફળતા મળી છે. ભાણવડના કંસારીયા નેસમાં દરોડો પાડી પોલીસે રૂ. 7.96 લાખનો વિદેશી દારૂ, કાર અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા એલસીબીએ ભાણવડ તાલુકાના કંસારીયા નેસમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે બાલુભાઈ નાથાભાઈ રબારીના મકાન અને રાજુભાઈ કરશનભાઈ કોડીયાતરની ક્રેટા કારમાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની 492 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. 3.66 લાખનો દારૂ, રૂ. 4 લાખની ક્રેટા કાર અને રૂ. 30 હજારની બાઈક સહિત કુલ રૂ. 7.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમીના આધારે ગોઠવાયો દરોડો
એલસીબીને માહિતી મળી હતી કે બહારથી મંગાવેલો વિદેશી દારૂ કંસારીયા નેસમાં સંતાડવામાં આવ્યો છે અને તેને કાર મારફતે અન્યત્ર ખસેડવાની તૈયારી ચાલી રહી છે. જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બે આરોપીઓ સામે કાર્યવાહી
પોલીસે આ કેસમાં બાલુભાઈ નાથાભાઈ રબારી (રહે. કંસારીયા નેસ) અને રાજુભાઈ કરશનભાઈ કોડીયાતર (રહે. રાણપર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
LCBની ટીમે કરી સફળ કાર્યવાહી
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી તથા તેમની ટીમે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી.




