સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં 7 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો, 52.27 લાખના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો


સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં 7 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો, 52.27 લાખના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો


જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસે સાયબર ફ્રોડ સામે મોટી કાર્યવાહી કરતાં છેલ્લા સાત મહિનાથી ફરાર રહેલા આરોપી રાહુલ રમણીકભાઈ વૈષ્ણવ પટેલ (રહે. દેસાઈ વડાળા ગામ)ને જુનાગઢ શહેરમાંથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, ભારત સરકારના NCCRP (નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ) પર ઓનલાઈન ફ્રોડ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે વિસાવદર પોલીસ દ્વારા ટેકનિકલ અને નાણાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ લેયરમાંથી પસાર થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો એક જ બેંક એકાઉન્ટમાં જમા થતા હોવાનું સામે આવ્યું હતું.
આગળની પૂછપરછમાં જાણવા મળ્યું કે રૂ. 52,27,000 જેટલી રકમ રાહુલ રમણીકભાઈ વૈષ્ણવ પટેલના કહેવાથી તેના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી. આરોપી મ્યુલ એકાઉન્ટ ભાડે આપી સાયબર ઠગોને આર્થિક વ્યવહારોમાં મદદ કરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
કેસ નોંધાયા બાદ આરોપી છેલ્લા સાત મહિનાથી ફરાર હતો. જોકે, વિસાવદર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે જુનાગઢમાં દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો.
હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ સાયબર ફ્રોડ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.




