ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપાઈ, ભવ્ય સમાપન સમારોહ સાથે CWG 2026 પૂર્ણ


ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપાઈ, ભવ્ય સમાપન સમારોહ સાથે CWG 2026 પૂર્ણ


ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2026નો રવિવારે ભવ્ય ક્લોઝિંગ સેરેમની સાથે સમાપન થયો. સમાપન સમારોહ દરમિયાન ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે સોંપવામાં આવી. ગ્લાસગોના OVO હાઈડ્રોમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, સંગીત અને ભવિષ્યના અમદાવાદ 2030ના વિઝનની ઝલક જોવા મળી.
ક્લોઝિંગ સેરેમની દરમિયાન સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરાયેલું હતું. ‘વંદે માતરમ’, ‘શિવ સ્તોત્ર’ અને ‘સુનો ગૌર સે દુનિયા વાલો’ જેવા ગીતો પર હજારો ભારતીય દર્શકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે વિદેશી દર્શકોએ પણ ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો. સ્કોટલેન્ડથી ભારતને કોમનવેલ્થ ગેમ્સનું બેટન સોંપવામાં આવ્યું તે ક્ષણ સમગ્ર સમારોહનું સૌથી યાદગાર દ્રશ્ય બની રહી.
આ સમારોહે 11 દિવસ સુધી ચાલેલા રમોત્સવનો ભવ્ય અંત લાવ્યો અને કોમનવેલ્થ આંદોલન માટે એક નવા અધ્યાયની શરૂઆત કરી. ગુજરાતના ઉપમુખમંત્રી હર્ષ સંઘવીને પ્રતીકાત્મક રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપવામાં આવ્યો, જે અમદાવાદ 2030માં યોજાનારી ગેમ્સની ઐતિહાસિક શતાબ્દી આવૃત્તિની યજમાની તરફ ભારતની સત્તાવાર શરૂઆતનું પ્રતીક બન્યું. ભારતીય સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા અને IOA અધ્યક્ષ પી.ટી. ઉષાને પણ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપવામાં આવ્યો.
સાંજની શરૂઆત સ્કોટિશ સંસ્કૃતિના જીવંત કાર્યક્રમોથી થઈ હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રોક બેન્ડ ‘સિમ્પલ માઇન્ડ્સ’, ડાન્સ ગ્રુપ ‘ડાયવર્સિટી’ અને અનેક સ્થાનિક કલાકારોએ સંગીત, નૃત્ય અને વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ દ્વારા સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.
ભારતના 18 મિનિટ 27 સેકન્ડના વિશેષ સાંસ્કૃતિક પ્રદર્શન દરમિયાન દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતા, રમત પ્રત્યેનો જુસ્સો અને અમદાવાદ 2030 માટેનું ભવિષ્યમુખી દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત “ભારત, જ્યાં રમત જીવન જીવવાની એક રીત છે” એવા પ્રભાવશાળી વોઇસ-ઓવરથી થઈ હતી.
પ્રદર્શનના પ્રથમ ભાગમાં ‘વસુધૈવ કુટુંબકમ’ (વિશ્વ એક પરિવાર)ની થીમ હેઠળ ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠને સમર્પિત રજૂઆત કરવામાં આવી, જેમાં ભારતના શાંતિ, એકતા અને સમાનતાના સંદેશને રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ વિશેષ ફિલ્મ દ્વારા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પ્રવાસ, યાદગાર સિદ્ધિઓ અને વૈશ્વિક રમત મંચ પર ભારતની વધતી ભૂમિકાને દર્શાવવામાં આવી.
ત્રીજા ભાગમાં ભારતીય સંગીતકાર ઋષભ શર્મા અને સ્કોટિશ કલાકાર રોસ એન્સલી વચ્ચે અનોખી સંગીત જुगલબંધી જોવા મળી, જે ગ્લાસગોથી અમદાવાદ સુધીના સાંસ્કૃતિક અને રમતગમતના સંક્રમણનું પ્રતીક બની. સમાપન સમારોહ દરમિયાન શંકર મહાદેવન, ઋષભ શર્મા અને ભૂમિ ત્રિવેદીના પ્રભાવશાળી પરફોર્મન્સે સમગ્ર સ્ટેડિયમને ભારતીય સંગીતના રંગમાં રંગી દીધું.
ભારતીય સમર્થકો માટે આ સાંજનો સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હેન્ડઓવર પ્રેઝન્ટેશન રહ્યો, જેમાં ભવ્ય વિઝ્યુઅલ્સ, ઊર્જાસભર કોરિયોગ્રાફી અને પ્રભાવશાળી સંગીત દ્વારા અમદાવાદ 2030ના વિઝનની વિશ્વ સમક્ષ પ્રથમ સત્તાવાર ઝલક રજૂ કરવામાં આવી.
એથ્લીટ્સની પરંપરાગત પરેડ દરમિયાન ભારત માટે વધુ એક ગૌરવની ક્ષણ સર્જાઈ હતી. કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયન જેસ્મિન લેમ્બોરિયાએ તિરંગો ધારણ કર્યો હતો અને 74 કોમનવેલ્થ દેશો અને પ્રદેશોના ખેલાડીઓએ મિત્રતા, એકતા અને રમતગમતની ભાવનાના ઉત્સવરૂપે સંયુક્ત માર્ચ કર્યો હતો.




