AIના યુગમાં ચીનમાં 1.3 લાખ કર્મચારીઓની છટણી! 18 મહિનામાં ટેક કંપનીઓએ હજારો નોકરીઓ કરી ખતમ



ફાઈલ ફોટો
AIના યુગમાં ચીનમાં 1.3 લાખ કર્મચારીઓની છટણી! 18 મહિનામાં ટેક કંપનીઓએ હજારો નોકરીઓ કરી ખતમ



ફાઈલ ફોટો
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ વચ્ચે ચીનની અગ્રણી ટેક કંપનીઓએ છેલ્લા 18 મહિનામાં અંદાજે 1.3 લાખ કર્મચારીઓની છટણી કરી હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. અહેવાલ મુજબ, આટલા મોટા પાયે નોકરીઓમાં ઘટાડો છતાં ચીનની સરકાર તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ ન મળતા અનેક સવાલો ઊભા થયા છે.
ડેલી મિરરના અહેવાલ અનુસાર અલીબાબા, ટેન્સેન્ટ, બાઇટડાન્સ, મીતુઆન અને બાઇડુ જેવી મોટી ટેક કંપનીઓએ પ્રવાસ, કન્ટેન્ટ અને ઈ-કોમર્સ સપોર્ટ સહિતના વિભાગોમાં 30થી 50 ટકા સુધી કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, અલીબાબાના કર્મચારીઓની સંખ્યા લગભગ 1.94 લાખથી ઘટીને 1.28 લાખ થઈ ગઈ છે, એટલે કે લગભગ 34 ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે બાઇડુએ લગભગ 10 હજાર કર્મચારીઓની છટણી કરી છે અને JD.com પણ અંદાજે 12 હજાર નોકરીઓ ઘટાડવાની તૈયારીમાં છે.
નફો હોવા છતાં થઈ રહી છે છટણી
અહેવાલ અનુસાર, આ વખતની છટણીનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે કંપનીઓ નુકસાનમાં હોવાને કારણે નહીં, પરંતુ નફો વધવા છતાં કાર્યક્ષમતા વધારવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે.
AI તરફ વધી રહી છે કંપનીઓ
રિપોર્ટ મુજબ ચીનની ટેક કંપનીઓ હવે AI આધારિત પ્રોડક્ટ્સ અને સેવાઓ પર વધુ ભાર મૂકી રહી છે. ચીન સરકારના 'AI Plus Action Plan' હેઠળ વર્ષ 2027 સુધી મુખ્ય ઉદ્યોગોમાં 70 ટકા અને 2030 સુધી 90 ટકા AI ઉપયોગ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અલીબાબાનું 'વુકોંગ' AI પ્લેટફોર્મ ઈ-કોમર્સ, લાઈવ સ્ટ્રીમિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં અનેક કામગીરીને સંપૂર્ણપણે ઓટોમેટ કરવાની ક્ષમતા ધરાવતું હોવાનું જણાવવામાં આવ્યું છે.
7 કરોડ નોકરીઓ જોખમમાં
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચીનમાં અંદાજે 7 કરોડ નોકરીઓ, એટલે કે કુલ વર્કફોર્સના લગભગ 9.6 ટકા રોજગાર, AIના વધતા ઉપયોગને કારણે જોખમમાં આવી શકે છે. સૌથી વધુ અસર યુવા કર્મચારીઓ અને 35 વર્ષની આસપાસના કર્મચારીઓ પર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં 35 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે રોજગારની સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. પરિવાર, હોમ લોન અને અન્ય જવાબદારીઓ ધરાવતા કર્મચારીઓને મોટા પ્રમાણમાં નોકરીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.




