Get News Alerts

Never miss breaking news updates.

41 વર્ષ બાદ કેનેડાનો સ્વીકાર, કનિષ્ક બ્લાસ્ટમાં ખાલિસ્તાની આતંકીઓનો હાથ

1985માં થયેલા એર ઈન્ડિયાના કનિષ્ક વિમાન વિસ્ફોટ મામલે કેનેડાએ 41 વર્ષ બાદ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ ભયાનક આતંકી હુમલા પાછળ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાનો હાથ હતો. આ હુમલામાં 329 નિર્દોષ લોકોના જીવ ગયા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 Jun 2026 04:50 PM IST
41 વર્ષ બાદ કેનેડાનો સ્વીકાર, કનિષ્ક બ્લાસ્ટમાં ખાલિસ્તાની આતંકીઓનો હાથ41 વર્ષ બાદ કેનેડાનો સ્વીકાર, કનિષ્ક બ્લાસ્ટમાં ખાલિસ્તાની આતંકીઓનો હાથ

નવી દિલ્હી: વર્ષ 1985માં થયેલા એર ઈન્ડિયાની ફ્લાઇટ 182 'કનિષ્ક' બોમ્બ બ્લાસ્ટ મામલે કેનેડાએ ચાર દાયકાથી વધુ સમય બાદ મહત્વપૂર્ણ સ્વીકાર કર્યો છે. કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ સત્તાવાર રીતે જણાવ્યું છે કે આ આતંકી હુમલા પાછળ કેનેડામાં સક્રિય ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાનો હાથ હતો. ભારત શરૂઆતથી જ આ દાવો કરતું આવ્યું હતું, પરંતુ કેનેડાએ તેને સ્વીકારવામાં 41 વર્ષનો સમય લીધો.

આ ભયાનક ઘટના 23 જૂન, 1985ના રોજ બની હતી. એર ઈન્ડિયાની ફ્લાઇટ 182 (સમ્રાટ કનિષ્ક) કેનેડાના મોન્ટ્રિયલથી લંડન થઈ મુંબઈ આવી રહી હતી. વિમાન જ્યારે એટલાન્ટિક મહાસાગર ઉપર આશરે 31 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, ત્યારે કાર્ગો વિભાગમાં રાખવામાં આવેલા બોમ્બમાં વિસ્ફોટ થયો હતો.

આ હુમલામાં 329 લોકોના મોત થયા હતા, જેમાં 82 બાળકો અને 4 નવજાત શિશુઓનો પણ સમાવેશ થતો હતો. દુર્ઘટના સમુદ્ર ઉપર થતાં માત્ર 131 મૃતદેહો જ મળી શક્યા હતા.

CSISએ આતંકવાદના પીડિતોની સ્મૃતિમાં મનાવવામાં આવતા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ હુમલો કેનેડામાં સક્રિય ખાલિસ્તાની ચરમપંથીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. એજન્સીએ તેને કેનેડાના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ આ હુમલાને દેશના ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય ગણાવી તમામ પ્રકારના આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ ઘટનાનો એક અન્ય મહત્વનો પાસો એ પણ છે કે તે જ દિવસે જાપાનના ટોક્યો એરપોર્ટના બેગેજ વિસ્તારમાં પણ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આ હુમલો પણ બબ્બર ખાલસાના કાવતરાનો જ ભાગ હતો. જોકે, બોમ્બ પ્લેનમાં ચઢાવવામાં આવે તે પહેલાં જ વિસ્ફોટ થતાં વધુ મોટી દુર્ઘટના ટળી હતી.

કેનેડાના આ સ્વીકારને ભારતના લાંબા સમયથી કરવામાં આવતા દાવાની પુષ્ટિ તરીકે જોવામાં આવી રહ્યો છે અને આતંકવાદ સામે વૈશ્વિક સહકારની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.