બોટાદમાં હનીટ્રેપની ઘટના, 2.48 લાખ પડાવ્યાં બાદ વધુ રૂપિયા માગ્યા; 7 સામે ફરિયાદ



બોટાદમાં હનીટ્રેપની ઘટના, 2.48 લાખ પડાવ્યાં બાદ વધુ રૂપિયા માગ્યા; 7 સામે ફરિયાદ



Botad News: બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં સનસનાટી મચાવતી હનીટ્રેપની ઘટના સામે આવી છે. ગઢડા તાલુકાના લાઠીદડ ગામના એક યુવકને આયોજનબદ્ધ રીતે પ્રેમજાળમાં ફસાવીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનારા યુવકે હિંમત દાખવી ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી એક આરોપીને દબોચી લીધો છે. ભોગ બનનારા યુવકે 2.48 લાખ આપ્યા હતા અને હવે વધુ અઢી લાખની માગણી કરતા ભાંડો ફૂટ્યો હતો.
મળતી માહિતી મુજબ, લાઠીદડ ગામના યુવકને સોશિયલ મીડિયા અને ફોન મારફતે જાળમાં ફસાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ એકસંપ થઈ યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બદનામીના ડરથી યુવકે ટુકડે-ટુકડે રૂપિયા 2.48 લાખ આરોપીઓને આપી દીધા હતા. આમ છતાં, આરોપીઓની લાલચ ઓછી થઈ નહોતી. તેમણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વધુ રૂપિયા 2.50 લાખની માગણી કરી સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને યુવકે ન્યાયનો દરવાજો ખખડાવ્યો હતો.
મહિલા સહિત 7 સામે ફરિયાદ
યુવકની ફરિયાદના આધારે ગઢડા પોલીસે અજય રૂડા બોળીયા, ઘના રાહા પરમાર, ભાવનાબેન અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સહિત કુલ સાત લોકો સામે ગુનો નોંધ્યો છે. આ ટોળકીમાંથી પોલીસે ધનાભાઈ રાહાભાઈ પરમાર નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.
ગઢડા પોલીસે આ મામલે નવી ભારતીય ન્યાય સંહિતાની (BNS) ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
- કલમ ૩૦૮(૬), ૩૦૮(૭): ખંડણી (Extortion) અને ધમકી આપી પૈસા પડાવવા
- કલમ ૧૧૫(૨): સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી/ત્રાસ આપવો
- કલમ ૩૫૨, ૩ canvas૫૧(૩): ગુનાહિત ધમકી આપવી
- કલમ ૬૧(૨): ગુનાહિત કાવતરું રચવું
ગઢડા તાલુકાના લાઠીદડ ગામના યુવક સાથે થયેલી હનીટ્રેપની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક મુખ્ય આરોપી ઘના પરમારની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત અન્ય 6 આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા છે.




