ઘણા ગુનાઓમાં આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પડતા મોત



ઘણા ગુનાઓમાં આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પડતા મોત



અમદાવાદ: બોપલ વિસ્તારમાં એક ચકચારજનક ઘટના સામે આવી છે, જેમાં માથાભારે આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નશાની હાલતમાં તેણે પાડોશીઓ સાથે હોબાળો અને મારામારી કરી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોએ 112 પર પોલીસને કરી હતી. પોલીસ આવી રહી હોવાની જાણ થતાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસથી બચવા દોડતી વખતે તેના પગ લપસતા તે ઈમારતના ચોથા માળેથી નીચે પટકાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ અક્ષર લઝ્યુરિયા ફ્લેટમાં રહેવા આવ્યો હતો. તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. ઉપરાંત ગુજસીટોક અને NDPS જેવા કેસોમાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેમજ તેનું નામ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલું હોવાનું પણ ચર્ચામાં હતું.
ઘટનાની જાણ થતાં બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.




