Arvalli ના મોડાસામાં રખડતા ઢોરનો આતંક, આખલાની ટક્કરે 7 વર્ષના બાળકને પહોંચી ગંભીર ઈજા


Aravalli News
Arvalli ના મોડાસામાં રખડતા ઢોરનો આતંક, આખલાની ટક્કરે 7 વર્ષના બાળકને પહોંચી ગંભીર ઈજા


Aravalli News
Arvalli : ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળતા હોવાથી અકસ્માતની શક્યતા વધી રહી છે. આ દરમિયાન ગુરુવારે રાત્રે મોડાસાના ગરીબ નવાઝ સોસાયટી વિસ્તારમાં રખડતા પશુઓના કારણે એક ગંભીર ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં રસ્તા પર બે આખલાઓ અંદરોઅંદર લડી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો માત્ર 7 વર્ષનો માસૂમ બાળક અચાનક બંને પશુઓની અડફેટે આવી ગયો હતો.
બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
આખલાઓની જોરદાર ટક્કર વાગતાં બાળકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બાળક લોહીલુહાણ હાલતમાં જોવા મળતાં આસપાસના લોકોમાં પણ ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર એકઠા થયા હતા અને ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખાનગી વાહન મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બાળકની સ્થિતિ ગંભીર હોવાને કારણે પરિવારજનોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો અને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન ગંભીર બન્યો છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂરતી કામગીરી થતી નથી.
રખડતા ઢોરને પાંજરે પૂરવા સ્થાનિકોની માગ
સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ પણ રખડતા ઢોરને પાંજરે પૂરવા અને રસ્તાઓ પરથી દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમ છતાં સમસ્યા યથાવત્ રહેતા હવે રખડતા પશુઓના કારણે નાના બાળકો સહિત રાહદારીઓની સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્ર અને નગરપાલિકા સમક્ષ રખડતા પશુઓ સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં શહેરના રસ્તાઓ પરથી રખડતા ઢોરને પકડીને યોગ્ય સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે. મોડાસાની આ ઘટના ફરી એકવાર રખડતા ઢોરના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને લઈને તંત્રની જવાબદારી પર સવાલ ઊભો કરે છે.






