બિહાર સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, યુપી-મહારાષ્ટ્રમાં હીટવેવનું એલર્ટ



બિહાર સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, યુપી-મહારાષ્ટ્રમાં હીટવેવનું એલર્ટ



દેશના વિવિધ ભાગોમાં હવામાનના બે અલગ-અલગ રંગ જોવા મળી રહ્યા છે. એક તરફ બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીઅવરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય વિસ્તારોમાં તીવ્ર ગરમી અને હીટવેવનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. બિહારમાં 17 થી 20 જૂન દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં પણ આગામી કેટલાક દિવસો દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે 18 થી 22 જૂન વચ્ચે અરુણાચલ પ્રદેશ તેમજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના છે.
રાજસ્થાનમાં ધૂળભરી આંધીઓ અને વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગો માટે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, 17 જૂને છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગોવા અને તટીય આંધ્ર પ્રદેશમાં 20 જૂન સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે.
રાજધાની દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર બાદ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.




