ભરૂચમાં દિવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રનું મોત, બે સભ્યો ઈજાગ્રસ્ત



ભરૂચમાં દિવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રનું મોત, બે સભ્યો ઈજાગ્રસ્ત



ભરૂચ: શહેરના આલી માતરિયા તળાવ વિસ્તારમાં દુર્ઘટનાજનક ઘટના બની હતી. અહીં એક દિવાલ અચાનક ધરાશાયી થતાં પિતા-પુત્રના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત નીપજ્યાં હતા, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આલી માતરિયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની દિવાલ અચાનક તૂટી પડતાં તેની બાજુમાં આવેલા મકાન પર કાટમાળ પડ્યો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
આ દુર્ઘટનામાં 21 વર્ષીય આશિષ અશ્વિન વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. હાલ પોલીસ સમગ્ર ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.




