અંક્લેશ્વર ખાતે “૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” વિષયક મીડિયા સંવાદ યોજાયો



અંક્લેશ્વર ખાતે “૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” વિષયક મીડિયા સંવાદ યોજાયો



ભરુચ ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને “૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ના ઉપલક્ષમાં મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની છેલ્લા ૧૨ વર્ષોની વિકાસયાત્રા અને જનકલ્યાણ યોજનાઓની સિદ્ધિઓને મીડિયા મારફતે જનજન સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
માધ્યમો સાથે વાત કરતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ છે. ગરીબો, ખેડૂતો અને યુવાનોના સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં આવી છે અને તેનો સીધો લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ કરોડો પરિવારોને ગેસ કનેક્શન મળ્યા છે, પીએમ આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ લાખો પરિવારોને આવાસ અને શૌચાલયની સુવિધા મળી છે. આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબોને નિઃશુલ્ક સારવારની સુવિધા ઉપલબ્ધ થઈ છે, જેના કારણે આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર આવ્યો છે.
મંત્રીના જણાવ્યા અનુસાર તમામ જનકલ્યાણ યોજનાઓ કોઈપણ જાતિ, ધર્મ કે ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચી રહી છે. GST જેવા સુધારાઓથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની છે અને વિકાસને નવી ગતિ મળી છે.
આ મીડિયા સંવાદમાં જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઝઘડિયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.




