ભારત ઈનોવેટ્સ પ્લેટફોર્મ ભારતની પ્રતિભા અને યુરોપિયન મૂડી વચ્ચેનું બ્રિજ : પીએમ મોદી



ભારત ઈનોવેટ્સ પ્લેટફોર્મ ભારતની પ્રતિભા અને યુરોપિયન મૂડી વચ્ચેનું બ્રિજ : પીએમ મોદી



નીસ (ફ્રાન્સ), પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મળીને “ભારત ઈનોવેટ્સ” કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ ભારતની યુવા પ્રતિભા અને યુરોપિયન નિષ્ણાતી તથા મૂડી વચ્ચે એક મજબૂત કડી તરીકે કામ કરશે.
ઉદ્ઘાટન ભાષણમાં પીએમ મોદીએ આ પહેલને ગર્વનો ક્ષણ ગણાવ્યો. તેમણે કહ્યું, “આ એક એવું મંચ છે જ્યાં ભારતના યુવા મગજને યુરોપિયન એક્સપર્ટીઝ સાથે જોડાવાનો અવસર મળી રહ્યો છે. 21મી સદીનું ભારત આજે પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ ચાલી રહી છે.”
તેમણે વધુમાં કહ્યું કે ભારતના યુવાનો નવી વિચારસરણી સાથે માનવજાતની સમસ્યાઓના ઉકેલ શોધી રહ્યા છે. “આ ક્રાંતિમાં ભારતનો યુવાન વર્લ્ડ ક્લાસ સોલ્યુશન્સ વૈશ્વિક સ્તરે લઈ જઈ રહ્યો છે. ભારત હવે માત્ર ગ્રાહક નથી, પરંતુ ટેકનોલોજી પ્રોવાઈડર દેશ તરીકે ઊભરી રહ્યો છે,” એમ તેમણે ઉમેર્યું.
ભારત–ફ્રાન્સ સંબંધો અંગે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોના સંબંધ માત્ર વેપાર કે રાજદ્વારી સ્તર સુધી સીમિત નથી, પરંતુ તે વિશ્વાસ, મૂલ્યો અને સમાન દૃષ્ટિકોણ પર આધારિત છે.
તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો આ કાર્યક્રમમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે “ઇન્ડિયા–ફ્રાન્સ ઇયર ઓફ ઇનોવેશન” હેઠળ બંને દેશો મળીને નવી પહેલો આગળ વધારી રહ્યા છે.
આ પહેલાં બંને નેતાઓએ મુલાકાત પણ કરી હતી અને સાથે મળીને “ભારત ઈનોવેટ્સ” કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લેટફોર્મ ભારત, ફ્રાન્સ તથા અન્ય દેશોના સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે.




