Bardoli: સુગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય

Bardoli: એશિયાની અગ્રણી શેરડી પિલાણ કરતી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો રાજકીય અને સહકારી ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષોથી સત્તામાં રહેલી સહકાર પેનલને પરાજય આપી કિસાન પરિવર્તન પેનલે તમામ 14 હરીફાઈવાળી બેઠકો પર વિજય મેળવી લીધો છે. એક બેઠક અગાઉથી બિનહરીફ થઈ હતી. પરિણામ બાદ બારડોલી સુગરમાં સત્તાનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
Rahul Desai
Rahul Desai
Bardoli: સુગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજયBardoli: સુગર ચૂંટણીમાં મોટો ઉલટફેર: કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય

Bardoli: એશિયાની અગ્રણી શેરડી પિલાણ કરતી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો રાજકીય અને સહકારી ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષોથી સત્તામાં રહેલી સહકાર પેનલને પરાજય આપી કિસાન પરિવર્તન પેનલે તમામ 14 હરીફાઈવાળી બેઠકો પર વિજય મેળવી લીધો છે. એક બેઠક અગાઉથી બિનહરીફ થઈ હતી. પરિણામ બાદ બારડોલી સુગરમાં સત્તાનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

15માંથી 14 બેઠકો પર ચૂંટણી: 

બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિ માટે કુલ 15 બેઠકો હતી. તેમાંથી સહકારી મંડળી પ્રતિનિધિની એક બેઠક પર અનિલભાઈ પરસોત્તમભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. બાકીની 14 બેઠકો માટે મતદાન યોજાયું હતું. પરિણામ જાહેર થતાં કિસાન પરિવર્તન પેનલે તમામ બેઠકો પોતાના નામે કરી લેતા સહકાર પેનલને મોટો ઝટકો લાગ્યો છે.

ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના નેતાઓની હાર: 

ચૂંટણીનું પરિણામ સ્થાનિક રાજકારણની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ બન્યું છે. ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ મેદાનમાં હતા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હોવાનું પરિણામમાં સામે આવ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની હારની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

સભાસદોમાં સંસ્થા સંચાલન અને રાજકીય દખલગીરીને લઈને રહેલા અસંતોષનો મતપેટીમાં પડઘો પડ્યો હોવાની ચર્ચા વચ્ચે કિસાન પરિવર્તન પેનલને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે.

કયા ઝોનમાં કોનો વિજય?

કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોએ વિવિધ ઝોનમાં નોંધપાત્ર લીડ સાથે જીત મેળવી હતી.

ઓરણા: અનિલભાઈ હરિભાઈ પટેલ – 1,523 મત, 672ની લીડ
સેવણી: ચેતનભાઈ વનમાળીભાઈ પટેલ – 1,416 મત, 465ની લીડ
પુણા: પ્રફુલભાઈ મોહનભાઈ પટેલ – 1,474 મત, 566ની લીડ
મોતા: સતીશભાઈ શૈલેષભાઈ પટેલ – 1,338 મત, 323ની લીડ
નિઝર: રૂપેશભાઈ રામચંદ્ર ભક્તા – 1,406 મત, 508ની લીડ
બારડોલી: વિનોદચંદ્ર મગનલાલ પટેલ – 1,386 મત, 403ની લીડ
ખરવાસા: ભુપેન્દ્રસિંહ તખ્તસિંહ સોલંકી – 1,445 મત, 544ની લીડ
શામપુરા: કિરીટભાઈ મગનભાઈ પટેલ – 1,393 મત, 505ની લીડ
એના: અતુલભાઈ જયંતિભાઈ પટેલ – 1,327 મત, 263ની લીડ
તુંડી: મુકેશભાઈ નગીનભાઈ પટેલ – 1,465 મત, 567ની લીડ
મોટી ફળોદ: પંકજભાઈ રમણભાઈ પટેલ – 1,463 મત, 540ની લીડ

મહિલા અને અનામત બેઠકોમાં પણ પરિવર્તન પેનલનો વિજય: 

સ્ત્રી અનામતની બંને બેઠકો પર પણ કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારો વિજેતા બન્યા. ઉષાબેન પ્રવિણભાઈ પટેલે 1,413 મત સાથે 453ની લીડ મેળવી, જ્યારે બીજી સ્ત્રી અનામત બેઠક પર ઉષાબેન પટેલે 1,395 મત મેળવી 435ની લીડ મેળવી હતી.

અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિ બેઠક પર તરુણભાઈ જગુભાઈ વાઘેલા 1,424 મત સાથે 542ની લીડથી વિજેતા બન્યા.

ફટાકડા, ઢોલ-નગારા અને ટ્રેક્ટરથી ઉજવણી: 

પરિણામ જાહેર થયા બાદ કિસાન પરિવર્તન પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બારડોલી સહિતના વિસ્તારોમાં ફટાકડા ફોડવા, ઢોલ-નગારા વગાડવા અને વિજય રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી. પેનલનું ચૂંટણી ચિહ્ન ટ્રેક્ટર હોવાથી કેટલાક સમર્થકોએ ટ્રેક્ટર સાથે અનોખી રીતે વિજયની ઉજવણી કરી હતી.

બારડોલી સુગરની ચૂંટણીના આ પરિણામે સહકારી ક્ષેત્ર અને સ્થાનિક રાજકારણ બંનેમાં ચર્ચા જગાવી છે. હવે નવી કિસાન પરિવર્તન પેનલ સંસ્થાનું સંચાલન કઈ રીતે કરે છે અને સભાસદો તથા શેરડી ઉત્પાદકોના પ્રશ્નોના નિરાકરણ માટે કયા નિર્ણયો લે છે તેના પર સૌની નજર રહેશે.

મુખ્ય મુદ્દા:

કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય
સહકાર પેનલને મોટો ઝટકો
14 હરીફાઈવાળી બેઠકો પર પરિવર્તન પેનલનો કબજો
એક બેઠક બિનહરીફ
ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના ઉમેદવારોની હાર
મહિલા અને અનામત બેઠકોમાં પણ પરિવર્તન પેનલની જીત
પરિણામ બાદ બારડોલી સહિતના વિસ્તારોમાં વિજયોત્સવ