લોકશાહીના પાઠ હવે પુસ્તકો પૂરતા નહીં, શાળાના કેમ્પસમાં જીવંત બન્યા; મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ



લોકશાહીના પાઠ હવે પુસ્તકો પૂરતા નહીં, શાળાના કેમ્પસમાં જીવંત બન્યા; મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ



વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ આપવા માટે બાળ સાંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલ દ્વારા નાનકડા વિદ્યાર્થીઓએ મતદાનની પ્રક્રિયામાં સક્રિય ભાગ લઈને લોકશાહીની જીવંત અનુભૂતિ મેળવી હતી.

શાળામાં યોજાયેલી આ ચૂંટણીમાં મહામંત્રી અને ઉપ મહામંત્રી પદ માટે લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ હતી. ખાસ વાત એ રહી કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન વિદ્યાર્થીઓએ જાતે જ સંભાળ્યું હતું. મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન, ઈવીએમનું સંચાલન, મતગણતરી અને પરિણામ જાહેર કરવાની તમામ જવાબદારીઓ વિદ્યાર્થીઓની અલગ-અલગ ટીમોએ નિભાવી હતી.
ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મથકે મતદારો તેમજ ચૂંટણી સ્ટાફ તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ અને જવાબદારીની ભાવના જોવા મળી હતી.

ચૂંટણીના પરિણામોમાં મહામંત્રી પદ માટે નૈતિકભાઈ શૈલેષભાઈ પટેલ જંગી બહુમતી સાથે વિજયી બન્યા હતા. જ્યારે ઉપ મહામંત્રી પદ માટે શ્રેયભાઈ નીતિનભાઈ પટેલે ભવ્ય જીત મેળવી હતી.
આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્વ, નાગરિક જવાબદારી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની પ્રાયોગિક સમજ પ્રાપ્ત થઈ હતી. શાળાના આચાર્ય, શિક્ષકમિત્રો તેમજ ગામના આગેવાન કલ્પેશ પટેલે વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી.
મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળાની આ પહેલ ભવિષ્યના જવાબદાર, જાગૃત અને સશક્ત નાગરિકો ઘડવાની દિશામાં એક પ્રેરણાદાયક અને નોંધપાત્ર પગલું સાબિત થઈ છે.




